<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

બોટાદવાળી ઘટના મામલે કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ કાર્યાલય પહોંચતા જ અટકાયત કરી લેવાઈ

રાજુ કરપડા અને પ્રવીણ રામની અટકાયતથી ખેડૂતો અને કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો: રાજુ કરપડાએ ખેડૂતોને અપીલ કરી કે તેઓ જેલમાં જાય ત્યારબાદ પણ ખેડૂતો આંદોલનને ચાલુ રાખે. જેલમાંથી બહાર આવ્યા પછી પણ તેઓ 'કળદા પ્રથા' બંધ કરવા માટે ગાંધીચિંધ્યા માર્ગે આગળ વધશે

આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ સ્થિત પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચતાની સાથે જ અટકાયત કરવામાં આવી હતી. આ બંને નેતાઓ બોટાદવાળી ઘટના સંબંધિત હાજર થવાના હતા, અને પોલીસની નજરમાં તેઓ ઘટનાના મુખ્ય આરોપી છે. તેમના આગમન પહેલા જ, કાર્યાલય ખાતે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજુ કરપડા અને પ્રવીણ રામની અટકાયતથી ખેડૂતો અને કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે.

પોલીસ દ્વારા રાજુ કરપડા પર અનેક કલમો દાખલ કરી દેવામાં આવી છે, કારણ કે જે કેસ થયો છે તેમાં ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આ સમગ્ર કેસ ખેડૂતોના મુદ્દા પર કેન્દ્રિત છે, અને પોલીસે ખેડૂતોના નિવેદનો પણ લઈ લીધા છે. રાજુ કરપડાએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના અવાજને દબાવવાની કોશિશ થઈ રહી છે અને તેમને જુઠ્ઠા કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ લડાઈ સત્ય માટે લડવામાં આવી રહી છે, કારણ કે સરકાર નીચે માર્કેટિંગ કે વેપારીઓની લૂંટેલી અવાજ બનાવવાની કોશિશ થઈ, ત્યારે આ અવાજને દબાવવાનો પ્રયત્ન થયો છે.

રાજુ કરપડા અત્યાર સુધી ભૂગર્ભમાં હતા, અને તેઓ કાર્યાલય પર આવે પછી તેઓ ક્યાં હતા તેની જાણ થવાની હતી. તેઓ અને પ્રવીણ રામ આમરણા ઉપવાસ પર બેસવાના હતા, અને ઉપવાસ થાય તે પહેલા જ તેમની ધરપકડ થાય તેવી શક્યતા હતી, કારણ કે પ્રવીણ રામે કહ્યું હતું કે પોલીસ તેમને અનશન કરવા દેશે નહીં. પ્રવીણ રામે પહેલેથી જ એક ટ્વીટ દ્વારા તેમની ધરપકડની સંભાવના જાહેર કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ખેડૂતો માટે લાંબી લડાઈ લડવા આજે જેલમાં જઈ રહ્યા છીએ અને જનતાને આ લડાઈને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

અટકાયત દરમિયાન રાજુ કરપડાએ સરકાર અને પોલીસ પ્રશાસન પર ગુસ્સો વ્યક્ત કરતા નિર્દોષ ખેડૂતોને મુક્ત કરવા માટે ભાવુક અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારને વિનંતી છે કે જો તમારો ગુસ્સો અમારા પર હોય તો તે ચાલે છે, પરંતુ નિર્દોષ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. કરપડાએ ઉમેર્યું હતું કે અમારા પર કરવા હોય એટલા અત્યાચાર કરો, પરંતુ નિર્દોષ ખેડૂતોને છોડી મૂકો .

રાજુ કરપડાએ ખેડૂતોને સંદેશ આપતા અપીલ કરી હતી કે તેઓ જેલમાં જાય ત્યારબાદ પણ ખેડૂતો આંદોલનને ચાલુ રાખે. જેલમાંથી બહાર આવ્યા પછી પણ તેઓ 'કળદા પ્રથા' બંધ કરવા માટે ગાંધીચિંધ્યા માર્ગે આગળ વધશે. પ્રવીણ રામે પણ અપીલ કરી હતી કે જો તેઓ જેલમાં જતા રહે તો પણ લડાઈ ચાલુ રાખજો, અને ઉમેર્યું હતું કે ખેડૂતો માટે જેલ શું, તેઓ અને રાજુભાઈ કરપડા ગોળીઓ ખાવા માટે પણ તૈયાર છીએ. પ્રવીણ રામે રાજુ કરપડાની આગેવાનીમાં એક ક્રાંતિ થઈ હોવાનું જણાવ્યું હતું.

(1:15 PM IST)