<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

અમદાવાદના રતનપોળમાં સોનાનો હાર બનાવીને એસ.કે. પ્રેસનો માલિક લઇને ભાગી ગયો

મૂળ પ.બંગાળ અને જમાલપુરમાં રહેતા અજીબુલહુસૈન ઉર્ફે સદ્દામ શેખ રતનપોળ સહજાનંદ માર્કેટમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો, હાલ દુકાન બંધ કરી ફરાર : કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદના રતનપોળમાં સહજાનંદ માર્કેટમાં આવેલ એસ.કે.પ્રેસના માલિકે સોનાના દાગીના બનાવતા યુવકને હાર તૈયાર કરીને લીધો હતો. જો કે, વેપારીએ યુવકને સોનુ બે દિવસમાં આપવાનું કહ્યુ હતુ પરંતુ આપ્યુ નહીં અને મોબાઇલ તેમજ દુકાન બંધ કરીને ફરાર થઇ ગયો છે. આ અંગે યુવકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં એસ.કે.પ્રેસના માલિક વિરૂદ્ધમાં 5.58 લાખના સોનાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.

  મૂળ પ.બંગાળ અને હાલમાં જમાલપુરમાં રહેતા અજીબુલહુસૈન ઉર્ફે સદ્દામ શેખ રતનપોળ સહજાનંદ માર્કેટમાં સોનાના દાગીના બનાવી આપવાનું કામકાજ કરે છે. અજીબુલહુસૈનને તેના મિત્ર મુસ્તુફાએ કહ્યું કે, તે એસ.કે. પ્રેસમાં નોકરી કરે છે અને અમારા શેઠ કમલ સોનાનું કટિંગ અને છપાઈનું કામકાજ કરે છે. તમારે મંજૂરી કામ જોઈતું હોય તો શેઠને મળજો. જેથી ગત.11 સપ્ટેમ્બરે અજીબુલહુસૈન પાસે મજૂરીનું કામ ન હોવાથી તે કમલને મળીને એક હાર ચાર પાંચ દિવસમાં બનાવીને આપ્યો હતો. જો કે, ફરીથી કમલે સોનાનો હાર બનાવવાનું કામ અજીબુલહુસૈનને આપ્યુ અને કહ્યુ કે, હાલમાં તમે હાર બનાવીને આપો પછી હું બે દિવસમાં સોનુ આપી દે. અજબુલહુસૈન ફરીથી હાર બનાવીને આપ્યો હતો પરંતુ વાયદા મુજબ 5.58 લાખનું સોનું ન મળતા તેમણે કમલને ફોન કર્યો તો તેણે કહ્યુ કે, હું હોસ્પિટલમાં એડમિટ છુ. ચાર પાંચ દિવસ પછી અજીબુલહુસૈન એસ.કે.પ્રેસ પર ગયો ત્યારે કમલે કહ્યુ કે, મારો ભાગીદાર હાર લઇને હૈદરાબાદ જતો હતો ત્યારે ચોરી થઇ છે તે સોનું પાછુ મળી જશે ત્યારે હું તમને આપીશ તેમ કહીને ગલ્લા તલ્લા કરીને દુકાન અને મોબાઇલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ અંગે અજીબુલહુસૈને કાલુપુર પોલીસ સ્ટેશનમાં કમલ વિરૂદ્ધમાં 5.58 લાખના સોનાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

(12:55 AM IST)