<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

ગુજરાત બાર કાઉન્‍સીલ દ્વારા વકીલોને માંદગી સહાયના ૧૩ લાખ ચુકવવા નિર્ણય

રાજકોટ તા. ૧૩: ગુજરાત બાર કાઉન્‍સીલ દ્વારા ધારાશાસ્ત્રીઓને  માંદગી સહાય પેટે રૂપિયા તેર લાખ પચાસ હજાર ચુકવવાનો નિર્ણય લેવાયો હતો.

બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત દ્વારા સને ૧૯૯૨ થી ગુજરાત એડવોકેટ વેલ્‍ફેર ફંડ મારફતે મળત્‍યુસહાય તેમજ માંદગી સહાય સમીતિ દ્વારા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આંશિક માંદગી સહાય બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે અને ગંભીર બીમારીના કિસ્‍સાઓમા વધુ માંદગી સહાય માટે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ઇન્‍ડીજન્‍ટ એન્‍ડ ડીસેબલ એડવોકેટસ વેલફેર કમીટીને મોકલી આપવામા આવે છે. બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે.પટેલના અધ્‍યક્ષપદ હેઠળ આજરોજ ઇન્‍ડીજન્‍ટ એન્‍ડ ડીસેબલ એડવોકેટસ વેલફેર કમીટીની મીટીંગ મળેલી. જેમા વાઇસ-ચેરમેન શ્રી મુકેશ સી. કામદાર તથા સભ્‍યો શ્રી કીરીટ એ, બારોટ, શ્રી હીરાભાઈ એસ.પટેલ અને શ્રી અનિરૂધ્‍ધસિંહ એચ. ઝાલા હાજર રહેલા. સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોના ધારાશાસ્ત્રીઓની માંદગી સહાયની અરજીઓ બીસીઆઇ એડવોકેટસ વેલફેર કમીટી ફોર ધી સ્‍ટેટ કમીટી દ્વારા મંજુર કર્યા બાદ ધારાશાસ્ત્રીઓની ગંભીર પ્રકારની બીમારીના કીસ્‍સામા વધુ માંદગી સહાય આપવા માટે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ઇન્‍ડીજન્‍ટ એન્‍ડ ડીસેબલ એડવોકેટસ વેલફેર કમીટીને ભલામણ કરવામા આવે છે. આવી વધુ માંદગી સહાય માટે ભલામણ કરવામા આવેલ ૩૪ જેટલા ધારાશાસ્ત્રીઓની અરજીઓ બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની ઈન્‍ડીજન્‍ટ એન્‍ડ ડીસેબલ એડવોકેટસ વેલફેર કમીટીએ મંજુર કરતા કુલ રૂપિયા તેર લાખ પચાસ હજાર ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ.

 અને ઉલ્લેખનીય છે કે વેલ્‍ફેર ફંડની રીન્‍યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીઓને જ બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાની માંદગી સહાયનો લાભ મેળવવા હકકદાર બને છે. (૭.ર૧)

(1:32 PM IST)