<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના પગલે દિવસો ખુશનમા, પરંતુ ૧૬ ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવવાની અને 'માવઠા'ની શક્યતા: વેધરમેન ઉત્તમ

ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને પોસ્ટ-મોનસૂન સીઝનનો પ્રારંભ: હાલ રાજ્યભરમાં દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ઓછું અને વહેલી સવારે આલ્હાદક ઠંડકનો સુખદ માહોલ જોવા મળી રહ્યો છે.

ટંકારા: (જયેશ ભટાસણા દ્વારા) હવામાન વિભાગના અહેવાલ  મુજબ, હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન ૩૨ થી ૩૪ ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ નોંધાઈ રહ્યું છે, જે સામાન્ય કરતાં ૨ થી ૩ ડિગ્રી જેટલું ઓછું છે. જેને કારણે ગરમી ઓછી અનુભવાઈ રહી છે અને માહોલ સુહાવનો બન્યો છે.

 

વહેલી સવારે વાતાવરણમાં હળવી ઠંડકની શરૂઆત થઈ ગઈ છે, અને હાલ લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી  આસપાસ નોંધાઈ રહ્યું છે, જે સામાન્ય કરતાં ૨ થી ૩ ડિગ્રી સેન્ટિગ્રેડ: ઓછું છે.

 

રાજ્યના યુવા વેધરમેન ઉત્તમે આજે જાહેર કરેલા અનુમાન મુજબ, ગુરુવાર બાદ રાત્રિ અને વહેલી સવારના તાપમાનમાં આંશિક વધારો થવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન ૨૨ થી ૨૪ ડિગ્રી સુધી પહોંચી શકે છે.

 

 

૧૬ ઓક્ટોબરથી 'માવઠા'નો ખતરો: સૌથી મહત્ત્વની આગાહી મુજબ, ચારેક દિવસ પછી આગામી ૧૬ ઓક્ટોબરથી રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. લો અને મીડ લેવલમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

 

આ સાથે જ, છૂટાછવાયા વિસ્તારોમાં માવઠા (કમોસમી વરસાદ)ની શક્યતાઓ પણ વેધરમેન ઉત્તમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને આ સમયગાળા દરમિયાન પાક સંબંધિત સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.

(12:48 PM IST)