તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th October 2025
બૉલીવુડના ખિલાડીનો મોદીના વતનમાં સત્કાર: અક્ષય કુમારે વડનગરને ઘેલું કર્યું! 'હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ઓમ નમઃ શિવાય સંભળાયું'
અક્ષય કુમારની આ મુલાકાત ગુજરાતના ઐતિહાસિક વારસા અને રમતગમત પ્રત્યેના તેમના લગાવને દર્શાવ્યો

વડનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ગઈ કાલે બૉલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારની મુલાકાતથી ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. અક્ષય કુમારને જોવા માટે વડનગરના રસ્તાઓ પર લોકોની ભારે ભીડ ઊમટી પડી હતી અને વડનગરવાસીઓ ઘેલા બન્યા હતા.
હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન: અક્ષય કુમારે વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી અને શિવજીના દર્શન કર્યાં હતાં. મંદિરના અદ્ભુત શિલ્પ-સ્થાપત્યો અને બારીક કોતરણી જોઈને તે મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી.
અનુભવનો કર્યો ખુલાસો: મંદિરની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતાં અક્ષય કુમારે પોતાનો અલૌકિક અનુભવ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે, "આ પૌરાણિક મંદિર છે. અંદર જઈને ધ્યાન આપો અને સન્નાટો થઈ જાય તો હળવે-હળવે ઓમ નમઃ શિવાય સંભળાય છે."
પ્રેરણા સ્કૂલ અને વારસો: તેમણે આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ પણ જોયું હતું અને વડનગરના સમૃદ્ધ વારસા વિશે માહિતી મેળવી હતી. સૌથી ખાસ વાત એ હતી કે અક્ષય કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા સ્કૂલની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને ફોટો પડાવીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
વડનગરની મુલાકાત બાદ અક્ષય કુમાર અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઑલિમ્પિક કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી.
હાલમાં કૉમ્પ્લેક્સમાં ચાલી રહેલી ૧૧મી એશિયન ઍક્વેટિક્સ ચૅમ્પિયનશિપમાં તેમણે વૉટર પોલોની મૅચ નિહાળી હતી.
એટલું જ નહીં, અક્ષય કુમારે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે વૉલીબૉલના ખેલાડીઓ સાથે વૉલીબૉલ પણ રમ્યો હતો.
અક્ષય કુમારની આ મુલાકાત ગુજરાતના ઐતિહાસિક વારસા અને રમતગમત પ્રત્યેના તેમના લગાવને દર્શાવે છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
