તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાની ખુલ્લી ચીમકીથી ભાજપમાં ખળભળાટ: 'જાદરને તાલુકો નહીં બનાવો તો વિસાવદરવાળી થશે'
પક્ષના જ સોશિયલ મીડિયા જૂથમાં કાર્યકરોને કરેલા વાયરલ સંદેશાથી રાજકીય ગરમાવો, ગાંધીનગર સુધી રજૂઆત કરવા હાકલ

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૮ : ભારતીય જનતા પાર્ટીના એક વધુ ધારાસભ્ય પોતાના જ પક્ષની સરકાર સામે મોરચો માંડતા વિવાદમાં આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડરના ધારાસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ મંત્રી, શ્રી રમણલાલ વોરાએ પક્ષના જ એક આંતરિક સોશિયલ મીડિયા જૂથમાં કરેલા સંદેશાથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં અને ગાંધીનગરના વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રી વોરાએ પોતાના કાર્યકરોને સંબોધીને લખ્યું છે કે, "તમે તૈયારી શરૂ કરો, હવે ઇડરમાં પણ વિસાવદરવાળી કરવી પડશે." તેમના આ સંદેશાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો સરકાર તેમની માંગણી નહીં સ્વીકારે તો તેઓ પક્ષની શિસ્તની પરવા કર્યા વિના આંદોલનાત્મક પગલાં ભરી શકે છે.
આટલું જ નહીં, તેમણે કાર્યકરોને જાદરને નવો તાલુકો બનાવવાની માંગને ગાંધીનગર સુધી પહોંચાડવા અને ઉગ્ર રજૂઆત કરવા માટે પણ આહ્વાન કર્યું છે.
શું છે 'વિસાવદરવાળી'નો રાજકીય અર્થ ?
રાજકીય વર્તુળોમાં 'વિસાવદરવાળી કરવી' નો અર્થ પક્ષના આદેશ કે નિર્ણય વિરુદ્ધ જઈને કાર્યવાહી કરવી અથવા પ્રજાના મુદ્દે પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવવો તેવો થાય છે.
ભૂતકાળમાં વિસાવદર બેઠક પરથી ચૂંટાયેલા પ્રતિનિધિએ પક્ષના નિર્ણયોથી અલગ વલણ અપનાવ્યું હતું, જે ઘટના રાજકારણમાં ખૂબ ચર્ચાઈ હતી.
આમ, રમણલાલ વોરા જેવા ભાજપના એક પીઢ અને વરિષ્ઠ નેતા દ્વારા આ શબ્દપ્રયોગ કરવો એ અત્યંત ગંભીર બાબત માનવામાં આવે છે.
જાદર તાલુકાની માંગ જૂની છે
ઇડર તાલુકામાંથી જાદર અને આસપાસના ગામોને અલગ કરીને નવો તાલુકો બનાવવાની માંગણી ઘણા સમયથી સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. વહીવટી સરળતા અને વિકાસના કામોમાં ગતિ લાવવા માટે આ માંગણી લાંબા સમયથી પડતર છે.
એવું મનાય રહ્યું છે કે આ મુદ્દે સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે સ્થાનિક ધારાસભ્યએ આક્રમક વલણ અપનાવવાની ફરજ પડી છે.
આ સંદેશો વાયરલ થયા બાદ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ સરકાર માટે પોતાના જ ધારાસભ્યની નારાજગી ચિંતાનો વિષય છે, તો બીજી તરફ વિપક્ષ આ મુદ્દાને સરકારની નિષ્ફળતા તરીકે રજૂ કરી શકે છે.
હાલમાં આ સમગ્ર મામલે પક્ષના મોવડીમંડળે મૌન સેવ્યું છે, પરંતુ આગામી દિવસોમાં તેના પડઘા ચોક્કસપણે જોવા મળી શકે છે, તેવી પણ ચર્ચા જોવા મળે છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
