તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th October 2025
ગીરનાર જંગલમાં વનરાજાનું ૪ મહિનાનું વેકેશન પુરૂઃ જંગલ સફારીનો પ્રારંભ
પ્રથમ દિવસથી જ પ્રવાસીઓ ઉમટયાઃ નવેમ્બર મહિનાના અમુક દિવસો સિવાય બુકિંગ ફુલ

વનરાજાનું ૪ મહિનાનું વેકેશન આજે પુર્ણ થતા જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વન વિભાગના વનસંરક્ષક અધિકારી મોહન રામની ઉપસ્થિતિમાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને જંગલ સફારીની ગાડીને લીલીઝંડી આપવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)
જુનાગઢ તા. ૭: એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરના જંગલમાં સિંહોનું ચાર માસનું ‘‘વેકેશન'' પૂરું થયું છે અને પ્રવાસીઓ માટે આજથી જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોમાસું અને વન્ય પ્રાણીઓના પ્રજનન કાળને કારણે છેલ્લા ચાર મહિનાથી બંધ રહેલી જંગલ સફારી ફરી શરૂ થતા પ્રકળતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ વખતે પરંપરાગત ૧૬ ઓક્ટોબરની તારીખના બદલે ૯ દિવસ વહેલી એટલે કે ૭ ઓક્ટોબરે જ સફારીનો પ્રારંભ કરાયો છે. પ્રથમવાર આટલો વહેલો પ્રારંભ કરવામાં આવ્યો છે. લીલી ઝંડી બતાવીને સફારીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને પ્રથમ ટ્રીપના પ્રવાસીઓના મોં મીઠા કરાવીને તેમને જંગલમાં રવાના કરાયા હતા. સાસણ ગીર ઉપરાંત જૂનાગઢની ગિરનાર સફારી અને પોરબંદરની બરડા સફારીનો પણ આજથી પ્રારંભ થયો છે.
જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગમાં પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નવેમ્બર મહિનાના અમુક દિવસો સિવાય તહેવારના દિવસોમાં બુકિંગ ફુલ થઈ ગયું છે. સાસણ સિંહ દર્શન માટે તો ડિસેમ્બર મહિના સુધીની ઓનલાઈન પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી ૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાત લેવાના છે.
છેલ્લી સિઝનમાં રેકોર્ડ બ્રેક સાડા આઠ લાખથી વધુ પ્રવાસીઓએ સાસણ ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. આ વખતે પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. (૭.ર૩)
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
