તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
એસીબીની સફળ ટ્રેપ : ખેતીની જમીનના દસ્તાવેજમાં 'વાંધા' ન કાઢવા બદલ સબ-રજિસ્ટ્રાર સુરત-૮ (અડાજણ) ₹૨.૫૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો : જુઓ વિડીયો
સબ-રજિસ્ટ્રાર મહેશકુમાર પરમારે ₹૩ લાખની લાંચની માંગણી કરી હતી, જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરતાં છટકું ગોઠવાયું : પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. સોલંકી અને મદદનીશ નિયામક આર. આર. ચૌધરીની ટીમે કાર્યવાહી કરી

સુરત : ભ્રષ્ટાચાર વિરોધી દળ (ACB) દ્વારા આજે સુરતમાં વધુ એક સફળ ટ્રેપ કરવામાં આવી છે. ખેતીની જમીનના દસ્તાવેજની નોંધણીમાં કોઈ વાંધા ન કાઢવા અને ઓર્ડરની કાર્યવાહી કરવાના બદલામાં લાંચ માંગનાર સબ-રજિસ્ટ્રાર, વર્ગ-૩ને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે.
ગુનાની વિગતો:
* આરોપી: મહેશકુમાર રણજીતસિંહ પરમાર, સબ-રજિસ્ટ્રાર, વર્ગ-૩, સબ-રજિસ્ટ્રાર કચેરી, સુરત-૮, અડાજણ, સુરત શહેર.
* લાંચની માંગણીની રકમ: ₹૩,૦૦,૦૦૦/-
* લાંચ સ્વીકારેલ અને રિકવર કરેલ રકમ: ₹૨,૫૦,૦૦૦/-
સમગ્ર ઘટનાક્રમ:
એક જાગૃત નાગરિક (ફરિયાદી) ના અસીલે ખેતીની જમીન ખરીદવાની હોય, જેના માટે અડાજણની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નિયમોનુસાર ફી ભરીને દસ્તાવેજની નોંધણી કરાવી હતી. આ દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા કાઢ્યા વિના ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આક્ષેપિત મહેશકુમાર પરમારે ફરિયાદી પાસે ₹૩ લાખની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત ACBનો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકાના આયોજન દરમિયાન, ફરિયાદી આક્ષેપિતને મળતા, આક્ષેપિત મહેશકુમાર પરમારે હેતુલક્ષી વાતચીત કરી અંતે ₹૨,૫૦,૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારી હતી. લાંચ સ્વીકારતાની સાથે જ આરોપી સ્થળ પર ACBના હાથે ઝડપાઈ ગયો હતો.
આ સમગ્ર ટ્રેપનું સફળ આયોજન પોલીસ ઇન્સ્પેકટર આર. કે. સોલંકી, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે., સુરત તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક આર. આર. ચૌધરી, એ.સી.બી. સુરત એકમ દ્વારા કરાયું હતું.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
