News of Wednesday, 1st October 2025
અમદાવાદમાં પુરુષો સાડી પહેરીને ગરબે ઘૂમ્યા
કોટ વિસ્તારમાં સદુમાતાની પોળમાં આજે પણ અકબંધ છે આ પરંપરાઃ બાધા પૂરી થતાં પુરુષો સાડી પહેરીને માતાજીના ગરબે ઘૂમે છે

અમદાવાદ તા.૧: અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં આજે પણ વર્ષો જૂની પરંપરા અકબંધ છે. એમાં સોમવારે રાતે પુરુષોએ સાડી પહેરીને સદુમાતાજીના ગરબે ઘૂમીને માતાજીને રીઝવ્યાં હતાં અને બાધાની માનતા પૂરી કરી હતી.
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં સદુમાતાજીની ગરબી ગાવાનો ઉત્સવ ઊજવાય છે. આ ગરબીની વિશેષતા એ છે કે આ ગરબીમાં માત્ર પુરુષવર્ગ સાડી પહેરીને ગરબા રમે છે. આ ગરબા વિશે રમેશભાઈએ ‘મિડ-ડે'ને કહ્યું હતું કે ‘દર નવરાત્રિની આઠમે સદુમાતાની પોળમાં બારોટ સમાજના પુરુષો તેમની બાધા-માનતા પૂરી થતાં સદુમાતાના ગરબે રમે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. કોઈને સંતાન ન થતું હોય કે કોઈ કામ ન થતું હોય અને સદુમાતાજીની બાધા રાખે અને કામ પૂરું થાય તો પુરુષો સાડી પહેરીને નવરાત્રિની આઠમે સદુમાતાજીના મંદિરે આવીને ગરબા રમે છે. હવે તો બારોટ સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ સદુમાતાજીની બાધા રાખે છે અને બાધા પૂરી થતાં સાડી પહેરીને માતાજીના ગરબા રમે છે. આ ગરબા નવરાત્રિની આઠમે થાય છે. પહેલાં બેઠાં-બેઠાં માતાજીની ગરબી ગવાય છે અને એ પછી ચોકમાં પુરુષો ગરબા રમીને બાધા પૂરી કરે છે. આ ગરબા જોવા માટે પોળમાં ધાર્મિકજનો ઊમટે છે.'
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
