તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 30th September 2025
રાત્રે 12 વાગ્યે ગાંધીનગરના રૂપાલમાં નીકળશે માતાજીની પલ્લી : પાલખીયાત્રાના રૂટ પર ટ્રોલીમાં ઘી ભરીને તૈયારી
મંદિર પટાંગણમાં ગુલાલ ઉત્સવ કરવામાં આવ્યો: બહોળી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, યુવાનો, વૃદ્ધો અને બાળકો ઉમટ્યા

ગાંધીનગરથી 15 કિ.મી. દૂર આવેલા રુપાલ ગામમાં વરદાયિની માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર રામાયણ અને મહાભારત કાળ સાથે જોડાયેલું છે. મંદિરે દર વર્ષે આસો નવરાત્રીની નોમે પાલખી યાત્રા યોજાય છે. વિશ્વભરમાં નોમના દિવસે નીકળતી માતાજીની પલ્લી રુપાલની પલ્લી તરીકે જાણીતી છે.
આજે 30 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે પલ્લી યોજાશે જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટશે અને ઘીનો અભિષેક કરશે. ઘીનો અભિષેક કરવાથી ગામમાં ઘીની નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળે છે. રૂપાલ ગામમાં પલ્લીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આજે માતાજીની પલ્લી દરમિયાન મંદિર પટાંગણમાં ગુલાલ ઉત્સવ કરવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, યુવાનો, વૃદ્ધો અને બાળકો ઉમટ્યા છે. ઉપસ્થિત સૌ ભક્તો દ્વારા ગુલાલ ઉત્સવમાં ભાગ લેવામાં આવ્યો હતો. માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આજે પલ્લીના દિવસે રુપાલમાં વરદાયિની માતાજીના મંદિરે ભક્તો ઉમટી રહ્યાં છે. ભક્તો અને ગ્રામજનો દ્વારા વરદાયિની માતાજીના વધામણા કરવામાં આવ્યા હતા. જય વરદાયિની જય જગદંબા નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ધીરે-ધીરે ભક્તોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તો દ્વારા માતાજીના આંગણે ગરબા રમવામાં આવ્યા હતા.
પલ્લી રથની યાત્રા પૂર્વે રૂપાલ ગામના ગ્રામજનો, જાતિ-વર્ણના ભેદભાવ વિના, એક સમાન મૂલ્ય જળવાઈ રહે તેવા હેતુથી પલ્લી નિર્માણ કાર્યમાં જોડાય છે. આસો સુદ નોમના રોજ મધ્યરાત્રિ પહેલા માતાજીની મૂર્તિ સન્મુખ સંપૂર્ણ ધાર્મિક રીતરિવાજો સાથે પલ્લી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવે છે.
રૂપાલ ગામના રહીશો, ભલે તેઓ દેશ-વિદેશમાં ક્યાંય પણ વસતા હોય, પલ્લી યાત્રામાં સહભાગી થવા અથવા દર્શન કરવા અચૂક આવે છે. પલ્લી પર શુદ્ધ ઘીથી અભિષેક કરીને આવનારા વર્ષ માટે સુખ, સંપત્તિ અને વૈભવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ એક કર્તવ્યપાલન અને શ્રદ્ધાનો વિષય છે.
પલ્લી રથ પર મુખ્ય પાત્રમાં શ્રી વરદાયિની માતાને બલિદાન રૂપે ઘી ચડાવવામાં આવે છે. આ ક્રિયા દરમિયાન માતાજીની મૂર્તિના હાવભાવમાં હર્ષપૂર્ણ પરિવર્તન જોવા મળે છે, જે ભક્તો માટે એક દિવ્ય અનુભવ બની રહે છે. લાખો ભક્તો આ જીવંત દર્શનનો અનુભવ કરવા વિશ્વભરમાંથી આવે છે.
જો કોઈ કારણસર પલ્લીની રાત્રે દર્શન ન થઈ શકે, તો ભક્તો દશેરાની પ્રભાતથી શરદપૂર્ણિમાની મધ્યરાત્રિ સુધીમાં પરિવાર સાથે પલ્લી મંદિર પર આવીને માતાજીને અભિષેક કરે છે. આ વ્યવસ્થા દ્વારા વધુને વધુ ભક્તોને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, બ્રહ્માજીના રક્ષણ માટે દુર્ગમ દૈત્ય સામેના યુદ્ધમાં વિજયી થતાં માતાનું નામ 'દુર્ગા' પડ્યું હતું. બ્રહ્માજીએ જ તેમને 'વરદાયિની' નામ આપ્યું હતું, જેનો અર્થ વરદાન આપનારી દેવી થાય છે. આ પ્રાચીન નગરી રૂપાવટી સાથે જોડાયેલી ગાથા છે.
શ્રી વરદાયિની માતાના આ જ મંદિરે ભગવાન શ્રી રામે વરદાન પ્રાપ્ત કર્યું હોવાનું મનાય છે. પાંચ પાંડવો અને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સુવર્ણ પલ્લી યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પરંપરા આજે પણ અવિરતપણે દર વર્ષે આસો સુદ નોમના દિવસે યોજાય છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
