News of Tuesday, 30th September 2025
વડોદરા એરપોર્ટ પર બોમ્બ મુક્યો હોવાનો ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો: તંત્રમાં દોડધામ
વડોદરા એરપોર્ટ પર બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની બેઠક યોજીને તાત્કાલિક તપાસ કરાઈ :કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો

વડોદરા એરપોર્ટ પર બોમ્બ મુકવામાં આવ્યો હોવાનો એક ઇ-મેઇલ મળતા તંત્ર દોડતું થયું હતું. બોમ્બ મુક્યો હોવાની ધમકીને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને વડોદરા એરપોર્ટ પર બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની બેઠક યોજીને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જોકે કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગઇકાલે અમદાવાદ એરપોર્ટ ખાતે બોમ્બ મુક્યો હોવાની ધમકી મળ્યા બાદ આજે વડોદરા એરપોર્ટ પર બોમ્બ મૂકાયો હોવાના ધમકીભર્યા ઇ-મેઇલ મળતા દોડધામ મચી ગઇ હતી. આ ધમકીભર્યો મેસેજ એક બોગસ ઇ-મેઇલ આઇડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે એરપોર્ટ નજીક બોમ્બ મૂકવામાં આવ્યા છે અને તે ટૂંક સમયમાં ફાટશે. આ ઘટનાને રોકવા માટે સત્તાવાળાઓને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હોવાની પણ ધમકી હતી.
આ ઇ-મેઇલ વડોદરા એરપોર્ટના સત્તાધિકારીઓને મોકલવામાં આવ્યો હતો. આ ધમકી મળતા જ સુરક્ષા તંત્ર સાબદું બન્યું હતું. વડોદરા એરપોર્ટ પર તાત્કાલિક બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની બેઠક જૂના ટર્મિનલ ખાતે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ધમકીને ગંભીરતાથી લઇ સ્પેસિફિક જાહેર કરવામાં આવી હતી.
એરપોર્ટ પર બોમ્બ થ્રેટ પ્રોટોકોલ મુજબ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી હતી. સ્ટેટ બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને સીઆઇએસએફ (CISF) દ્વારા એરપોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સંપૂર્ણ પરિસરની ઝીણવટભરી તપાસ બાદ, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળી આવ્યો ન હતો, જેના પગલે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. કામગીરી યથાવત ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ગઇકાલે વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ ધમકીભર્યા મેઈલમાં મોકલનારે પોતાને 'આતંકવાદી નેતા' ગણાવ્યો હતો અને ઇમારતમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તાત્કાલિક કાર્યવાહી કરતા સુરક્ષા દળોએ સમગ્ર એરપોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી, જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
