<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

રાજ્‍યના ૨૩૨ તાલુકાઓમાં જાણે ગરબા રમતા મેઘરાજાઃ ઝરમર થી ૮ ઇંચ

કપરાડા ૫ ઇંચ, ઉમરગામ ૪.૫ ઇંચ, અંકલેશ્વર, ધરમપુર અને ડેડીયાપાડા ૪ ઇંચ વરસાદ વલસાડ અને ચીખલી પંથકમાં મીની વાવાઝોડાથી ભારે નુકસાનઃ સેંકડો વીજપોલ અને વૃક્ષો ધરાશાયી, ગ્રામીણ વિસ્‍તારના અનેક રસ્‍તાઓ બંધ : ઉકાઇ ડેમની જળસપાટી ભયજનક સપાટીથી માત્ર ૧.૦૭ ફૂટ દૂર.... ૧,૩૩,૭૬૦ ક્‍યુસેક પાણી છોડયું તાપી નદી બે કાંઠે.... કોઝવે ૮.૫૨ મીટર ને પાર ૧,૬૭,૫૪૯ ક્‍યુસેક પાણી વહી રહ્યું છે.. મધુવન ડેમના ૪ દરવાજા ખોલાયાઃ દમણગંગા નદી રમણે ચઢી ભારે વરસાદને પગલે વલસાડ જીલ્‍લાની અને સંઘ પ્રદેશ દમણની શાળાઓમાં રજા જાહેર કરાઈ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ આસો માસના નવરાત્રિના અંતીમ દિવસોમાં મેઘરાજા રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં મન મૂકીને વરસતા રાજ્‍યના ૨૩૨ તાલુકા ઓ માં ઝરમર થી ૮ ઇંચ સુધી નો ભારે વરસાદ નોંધાયો છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્‍તારોમાં મેઘરાજા ભારે પવન સાથે તુટી પડતા ચીખલી, ડાંગ અને વલસાડ પંથક માં મીની વાવાઝોડા ને પગલે ભારે નુકસાની થવા પામી છે, સેંકડો વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થવા પામ્‍યા છે, અનેક ઘરો ના છાપરા આ ચક્રવાત માં ઉડ્‍યા છે, એટલુંજ નહી ભારે પવનને પગલે કિનારે લાંગરેલ બોટોદને પણ ભારે નુકસાની થતા માછીમાર ભાઈ ઓ ની હાલત કફોડી થવા પામી છે, સાથે સાથે આ વરસાદ ને પગલે ચીકુ સહિત ના પાકો ને પણ નુકસાન ની ભીતિને પગલે ખેડૂતો ચિંતા માં મુકાયા છે.

ભારે વરસાદને પગલે કપરાડા, ડાંગ અને ધરમપુર પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા બન્‍યા છે, નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઈ, તેમજ વલસાડ જિલ્‍લા ના સાંસદ શ્રી ધવલ ભાઈ પટેલ પણ ટીમ સાથે દોડી જઈ અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લઈ નિરીક્ષણ હાથ ધરી બચાવ કામગીરી ના આદેશો આપ્‍યા છે.

ભારે વરસાદ અને ઉપરવાસથી છોડાતા પાણી ને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી રહી છે, આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી ને ૩૪૩.૯૩ ફૂટે પહોંચી છે ડેમમાં ૧,૩૩,૭૬૦ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે એટલુંજ એટલે કે ૧,૩૩,૭૬૦ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આમ જોવા જઈએ તો હાલ ના રૂલ લેવલ અનુસાર ઉકાઇ ડેમની ભયજનક જળસપાટી ૩૪૫ ફૂટ છે એટલે કે હાલમાં ડેમની જળસપાટી ભયજનક સપાટી થી માત્ર ૧.૦૭ ફૂટ જ દૂર છે જેને પગલે તંત્ર સતત ચાંપતી નજર રાખી બેઢું છે.

ઉકાઇ ડેમમાંથી પાણી છોડતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે, તેમજ વિયર કામ કોઝ્‍વે ની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૮.૫૨ મીટરે પહોંચી છે, અહીં થી ૧,૬૭,૫૪૯ ક્‍યુસેક પાણી વહી રહ્યુ છે.

દમણગંગા નદી પણ રમણે ચઢી છે, મધુવન ડેમ ની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૭૯.૧૫ મીટરે પહોંચી છે, ડેમમાં થી ૨૯,૮૩૯ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૧૮,૫૯૮ ક્‍યુસેક છોડવામાં આવી રહ્યું છે, ડેમના ૪ દરવાજા ૦.૮ મીટર ખુલ્‍લા છે.

હવામાન ખાતાની આગાહી સાચી પાડતા હોય તેમ મેઘરાજા તૂટી પડ્‍યા છે જેને પગલે ગરબા આયોજકો મુશ્‍કેલી માં મુકાયા છે, મોટી નુકસાનીની ભીતિ ઉભી થવા પામી છે, તો ખેલૈયા ઓ નિરાશ થવા પામ્‍યા છે, ત્‍યારે આપણને સવાલ થાય કે માત્ર નવરાત્રી માં કેટલાક દિવસ રમવાના મળે તો ખેલૈયા ઓ ની આ હાલત હોય ત્‍યારે જો આવા વરસાદ થી ખેડૂતોનુ આખું વર્ષ બગડે ત્‍યારે તેમની શું હાલત હશે...??

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો કપરાડા ૧૨૪ મીમી, ઉમરગામ ૧૧૮ મીમી, અંકલેશ્વર ૧૦૬ મીમી, ધરમપુર ૧૦૪ મીમી, ડેડીયાપાડા ૧૦૧ મીમી, પારડી ૮૪ મીમી, વલસાડ અને વાપી ૮૧ મીમી, ઉમરપાડા ૭૮ મિમી, ઝઘડિયા ૭૩ મીમી, ભરૂચ, હાંસોટ અને દેવગઢ બારીયા ૭૨ મીમી, નડીયાદ ૫૯ મીમી, સુબીર ૫૭ મીમી, માંગરોળ ( સુરત ) ૫૬ મીમી, માંગરોળ, ખેરગામ, નિઝર અને સાગબારા ૫૫ મીમી, કામરેજ ૫૪ મીમી, વરસાદ નોંધાયો છે. તેમજ ઓલપાડ ૪૮ મીમી, મહુધા ૪૬ મીમી, વઘઇ ૪૫ મીમી, નેત્રંગ અને અંજાર ૪૪ મીમી, દેગામ ૪૩ મીમી, ગરબાડા અને મુન્‍દ્રા ૪૨ મીમી, આહવા અને વાંસદા ૪૦ મીમી, મોરવા હડફ ૩૯ મીમી, ગાંધીધામ ૩૮ મીમી, કંવાટ ૩૭ મીમી, ગણદેવી અને ચોર્યાસી ૩૫ મીમી, જેતપુર પાવી અને બારડોલી ૩૩ મીમી, સુરત સિટી અને દાહોદ ૩૨ મીમી,, તો ચીખલી ૩૧ મીમી વરસાદ નોંધાયો છે આ ઉપરાંત રાજ્‍ય ના ૧૩૧ તાલુકા ઓ માં ૧ થી ૩૦ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે.

(12:00 PM IST)