તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th September 2025
રાત્રે 11:00 કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ‘ઓપરેશન સિંદૂર’ ગરબો થશે
હર્ષ સંઘવીએ આ ઐતિહાસિક અવસરમાં જોડાઇને સૌને વિશ્વ વિક્રમ રચવા માટે પણ આહ્વાન કર્યું

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) નવરાત્રિના (Navratri 2025) પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની અપીલ કરી છે.
હર્ષ સંઘવીએ આવતીકાલે રવિવાર, તારીખ 28 સપ્ટેમ્બર 2025ના રોજ સાતમના નોરતે રાત્રે બરાબર 11:00 કલાકે સમગ્ર ગુજરાતમાં એકસાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડીને દેશના વીર જવાનોને અનોખી સલામી આપવા માટે અનુરોધ કર્યો છે.
વધુમાં હર્ષ સંઘવીએ આ ઐતિહાસિક અવસરમાં જોડાઇને સૌને વિશ્વ વિક્રમ રચવા માટે પણ આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, આવતીકાલે રાત્રે સમગ્ર ગુજરાત એક જ તાલે, એક જ સૂરમાં આપણી સેનાના સન્માનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમશે.
આ અંગે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આદ્યશક્તિ મા અંબાની આરાધનાના આ પર્વમાં આપણે સૌ ઉત્સાહથી ગરબે ઘૂમી રહ્યા છીએ. આપણી આ ખુશી અને સલામતી પાછળ મા અંબાના આશીર્વાદની સાથે સાથે સરહદો પર ખડેપગે ઊભેલા આપણા વીર જવાનોનું શૌર્ય અને પરાક્રમ પણ છે. નવરાત્રિ એ શક્તિની ઉપાસનાનો તહેવાર છે અને આપણા સૈનિકો એ જ શક્તિ અને વિજયના સાચા પ્રતિક છે.
ગૃહ મંત્રીએ રાજ્યના તમામ ગરબા સંચાલકો, આયોજકો અને ડી.જે. મિત્રોને નમ્ર વિનંતી કરી છે કે તેઓ નિર્ધારિત સમયે દરેક શેરી, પોળ અને પાર્ટી પ્લોટમાં ‘ઓપરેશન સિંદૂર’ ગરબો વગાડે અને ખેલૈયાઓને તેના પર ગર્વભેર ઝૂમવા માટે પ્રેરણા આપે.
તેમણે ખેલૈયાઓને અપીલ કરતા કહ્યું કે, જ્યારે આ ગરબો વાગે, ત્યારે તમારા દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં આપણા સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ હોય. ચાલો, આપણે સૌ સાથે મળીને આ પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવીએ.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
