<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

શ્રમ વિભાગની તપાસમાં બાળ શ્રમિકો મળી આવ્યા

૧૭ વર્ષની ૫ કિશોરીઓ અને ૧ કિશોર મળી આવ્યાઃદેદીયાસણ GIDCની કંપનીઓ અને ફેક્ટરીઓમાં શ્રમ વિભાગની તપાસ દરમિયાન કુલ ૯ જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે

મહેસાણા,તા.૨૫

મહેસાણાના દેદીયાસણ GIDCની કંપનીઓ અને ફેક્ટરીઓમાં શ્રમ વિભાગની તપાસ દરમિયાન કુલ ૯ જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં બાળ મજૂરીના દૂષણ પર પ્રકાશ પાડ્યો છે. શ્રમ વિભાગે દેદીયાસણ GIDCમાં અચાનક તપાસ હાથ ધરી હતી. જેમાં કેટલીક કંપનીઓમાંથી સગીર વયના બાળકો કામ કરતા મળી આવ્યા હતા. તપાસ દરમિયાન માન ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ૧૭ વર્ષની ૫ કિશોરીઓ અને ૧ કિશોર મળી આવ્યા હતા.

આ જ રીતે ત્રિદેવ ટ્રેડર્સમાંથી પણ ૨ કિશોરો મળી આવ્યા હતા. આ ઉપરાંત સનરાઈઝ એગ્રો નામની કંપનીમાં એક કિશોર બોઈલર જેવા અત્યંત જોખમી કામમાં જોતરાયેલો જોવા મળ્યો હતો. આ કાર્યવાહીમાં મુક્ત કરાયેલા કુલ ૯ બાળ શ્રમિકોને તુરંત જ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શ્રમ વિભાગે આ કંપનીઓ સામે કડક કાનૂની કાર્યવાહી શરૃ કરી છે. બાળ મજૂરી એ કાયદાકીય ગુનો છે અને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી કંપનીઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

આ ઘટના દર્શાવે છે કે આર્થિક પ્રગતિની દોડમાં અનેક કંપનીઓ કાયદાની અવગણના કરીને સસ્તા મજૂર માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે. આ બાળકોને શિક્ષણ, રમત-ગમત અને સ્વસ્થ બાળપણના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. આ ઘટના બાદ શ્રમ વિભાગ દ્વારા અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં પણ આવી તપાસ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે. જેથી કરીને ભવિષ્યના આવા બનાવો અટકાવી શકાય અને બાળકોને તેમના અધિકારો મળી રહે.

 

(9:28 PM IST)