<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

નકલી PSI બનીને ગરબા મહોત્‍સવમાં VIP એન્‍ટ્રી લીધી

અસલી પોલીસને જાણ થઈ જતા આરોપીને ઝડપી પાડવામાં આવ્‍યો

સુરત,તા.૨૪:  નવરાત્રિના ઉત્‍સવમાં ડુમસના YPD ડોમ ખાતે એક ચોંકાવનારી ઘટના બની હતી. હીરાના વેપારીનો પુત્ર યુવરાજ રાઠોડ પોતાને પોલીસ સબ-ઇન્‍સ્‍પેક્‍ટર (PSI) તરીકે રજૂ કરી ગરબા ગ્રાઉન્‍ડમાં VIP ગેટથી પ્રવેશ કર્યો હતો. પરંતુ ઝોન-૭ના ડીસીપી શેફાલી બરવાલની સતર્ક નજરે તેની સાચી ઓળખ બહાર આવી ગઈ અને આખી ડ્રામેબાજીનો અંત આવ્‍યો. આરોપીની કરતૂતને કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્‍યો છે.

યુવરાજ રાઠોડ પોલીસ જેવા વેશમાં આવીને, હાથમાં એક ખરાબ હાલતમાં રહેલો વોકી-ટોકી લઈને ફરતો હતો. હું PSI છું અને ડ્‍યુટી પર છું કહીને તેણે સ્‍ત્‍ભ્‍ વિસ્‍તારમાં પ્રવેશ મેળવ્‍યો. માત્ર એટલું જ નહીં, પરંતુ ત્‍યાં બેઠેલા સેલિબ્રિટીઝ અને મહાનુભાવોની વચ્‍ચે જઈ ફોટા પડાવ્‍યા હતા.

આરોપીની તપાસ દરમિયાન યુવરાજના મોબાઇલ ફોનમાંથી અનેક પોલીસ અધિકારીઓ અને જાણીતા સેલિબ્રિટીઝ સાથેના ફોટા મળી આવ્‍યા. આ ફોટાઓના આધાર પર તે લોકોને પોતાના ‘કનેક્‍શન' બતાવીને પ્રભાવ જમાવતો હતો.

પોલીસની તપાસમાં ખુલ્‍યું કે યુવરાજ છેલ્‍લા બે દિવસથી આ રીતે નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્‍ડમાં ફરતો હતો. વડોદરામાં તેના સંબંધીઓ પોલીસમાં હોવાથી તેને પોલીસના વર્તન અને કામગીરી અંગે થોડી ઓળખાણ હતી, જેનો તેણે દુરુપયોગ કર્યો.

જોકે સમગ્ર મામલે ડીસીપી શેફાલી બરવાલ સુરક્ષા વ્‍યવસ્‍થા ચકાસવા માટે હાજર હતા ત્‍યારે યુવરાજના શંકાસ્‍પદ વર્તન પર તેમની નજર પડી. પૂછપરછ કર્યા બાદ તેની સાચી ઓળખ બહાર આવી ગઈ અને તરત જ પોલીસ ટીમે તેની ધરપકડ કરી લીધી. બાદમાં આયોજકની ફરિયાદ આધારે ગુનો નોંધાયો છે.

ઉલ્‍લેખનીય છે કે સમગ્ર મામલે ડુમસ પોલીસ મથકે આયોજક નયન માંગરોળિયાની ફરિયાદ પરથી યુવરાજ રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉચ્‍ચ અધિકારીઓની સતર્કતા વગર ભીડમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવી મુશ્‍કેલ છે.

(9:18 AM IST)