News of Sunday, 21st September 2025
ગુજરાતમાં વાહનોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વાહન રજિસ્ટ્રેશન સિરીઝમાં ત્રણ અક્ષરોની નવી સિરીઝ શરૂ કરવાનો નિર્ણય કર્યો
નવી સિસ્ટમ હેઠળ, વાહનોને ત્રણ અક્ષરની સિરીઝ (જેમ કે AAA, AAB, AAC, વગેરે) માં નંબરો આપવામાં આવશે.

અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વાહન રજિસ્ટ્રેશન સિરીઝમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી વાહનોને એક કે બે અક્ષરોની સિરીઝ (દા.ત. GJ-01-AB-1234) થી નંબર આપવામાં આવતા હતા. હવે સરકારે ત્રણ અક્ષરોની નવી સિરીઝ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવી સિસ્ટમ સૌ પ્રથમ અમદાવાદ આરટીઓ દ્વારા લાગુ કરવામાં આવશે, જ્યાં વર્તમાન સિરીઝ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નવી સિરીઝ તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી હાલની એક અને બે અક્ષરની સિરીઝ સંપૂર્ણપણે સમાપ્ત ન થાય, ત્યાં સુધી ત્રણ અક્ષરની સિરીઝ શરૂ કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે "AA" થી "ZZ" સુધીના તમામ નંબરો પહેલા પૂરા કરવામાં આવશે, અને ત્યારબાદ જ "AAA" થી શરૂ થતી નવી સિરીઝના નંબરો જારી કરવામાં આવશે. આ પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે, ગાંધીનગર સ્થિત વાહન કમિશનર કચેરીએ તમામ આરટીઓને સૂચના આપી છે કે જો તેમના જિલ્લામાં બે અક્ષરોની સિરીઝ સમાપ્ત થવાની હોય તો ઓછામાં ઓછા છ મહિના અગાઉ મુખ્ય મથકને જાણ કરે.
નવી સિસ્ટમ હેઠળ, વાહનોને ત્રણ અક્ષરની સિરીઝ (જેમ કે AAA, AAB, AAC, વગેરે) માં નંબરો આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, અમદાવાદમાં GJ-01-AA-1234ને બદલે હવે GJ-01-AAA-1234 જેવી સિરીઝ શરૂ થશે. તેવી જ રીતે, સુરત આરટીઓમાં પણ GJ-05 સિરીઝ પછી GJ-A5 સિરીઝના નંબરો અપાશે અને ત્યારબાદ GJ-A5-AAA-1234 જેવા નંબરો મળવાની શરૂઆત થશે. જોકે, સુરતમાં આ પ્રક્રિયા શરૂ થતાં હજુ એકથી દોઢ વર્ષનો સમય લાગી શકે છે.
આ નવી સિસ્ટમ લાગુ કરવા માટે જરૂરી ટેકનિકલ ફેરફારો નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) દ્વારા વાહન પોર્ટલમાં કરી દેવામાં આવ્યા છે. હવે આરટીઓ અધિકારીઓ પોર્ટલમાં ત્રણ અક્ષરોની સિરીઝ ઉમેરી શકશે અને તેમાંથી નવા નંબરો જનરેટ કરી શકશે. આ પગલાથી આગામી ઘણા વર્ષો સુધી વાહન રજિસ્ટ્રેશનની જરૂરિયાત પૂરી થઈ શકશે.
વર્તમાન પરિસ્થિતિને જોતા, અમદાવાદમાં વાહનોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે અને એક કે બે અક્ષરની સિરીઝ લગભગ સમાપ્ત થવા આવી છે. આથી, આ ફેરફારની શરૂઆત અમદાવાદથી થશે અને ત્યારબાદ સુરત જેવા અન્ય શહેરોમાં પણ તે લાગુ કરવામાં આવશે. આ નિર્ણય વાહન વ્યવહાર વ્યવસ્થાપનને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદ કરશે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
