<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

સુરતમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની જોરદાર એન્ટ્રી

અઠવાલાઇન્સ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

સુરત : રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ડાયમંડ સિટી સુરતમાં લાંબા વિરામ બાદ આજે ફરી એકવાર મેઘરાજાએ દસ્તક દીધી છે. શહેરનાં વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. લો પ્રેશર સિસ્ટમ ફરી સક્રિય થતાં વરસાદનું આગમન થયું છે. 

    લાંબા વિરામમાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં આજે સવારથી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને ભારે બફારા અને ગરમીથી રાહત મળી છે. શહેરનાં અઠવાલાઇન્સ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે, કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ થયો છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

    માહિતી અનુસાર, લો પ્રેશર સિસ્ટમ ફરી એકવાર સક્રીય થતાં ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આથી, મેઘરાજા નવરાત્રિની મજા બગાડશે તેવી ભીતિ ખેલૈયાઓમાં સેવાઈ છે. જ્યારે 29 સપ્ટેમ્બરની આસપાસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ ગાંધીનગર સહિતનાં જિલ્લામાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે.  

 

(3:50 PM IST)