News of Tuesday, 16th September 2025
ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસના આરોપી આજીવન સજા માટે અનિરૂધ્ધસિંહ જેલમાં સરેન્ડર થશે કે નહિઃ ભારે ચર્ચા
૧૮મી સપ્ટેમ્બરે સરેન્ડર થવાનો આદેશ છે, ત્યારે હવે સરેન્ડર માટે બે દિવસનો સમય

રાજકોટ તા. ૧૬ :.. ગોંડલમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ૧૯૮૮ની સાલમાં હત્યા કરવાના ગુનામાં ટાડા એકટ હેઠળ આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા હાઈકોર્ટના આદેશ મુજબ આગામી તા. ૧૮મીએ ગુરૂવારે સરેન્ડર કરશે કે નહીં તે સવાલ હાલ ચર્ચામાં છે.
૨૦૧૮ની સાલમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને સજા માફી આપવામાં આવી હતી. તાજેતરમાં જ હાઈકોર્ટે સજા માફી આપવાના સરકારના નિર્ણયને રદબાતલ ઠરાવી તા. ૧૮ સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો. જેની સામે અનિરૂદ્ધસિંહ જાડેજા સુપ્રિમ કોર્ટ પહોંચતાં સુપ્રિમ કોર્ટે પણ સજા માફી મુદ્દે કોઈ પણ રાહત આપવાનો ઈન્કાર કરી તા.૧૮મી સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવા ફરમાન કર્યું હતું.
આ મુદત પુરી થવા આડે હવે માત્ર ત્રણ દિવસ જ બચ્યા છે ત્યારે અનિરૂદ્ધસિંહ જાડેજા જેલ સત્તાવાળાઓ સમક્ષ સરેન્ડર કરશે કે કેમ તેવો સવાલ હાલ સર્વત્ર ચર્ચાઈ રહ્યો છે. ગઈ તા. ૨૯મી જાન્યુઆરી ૨૦૧૯ની સાલમાં અનિરૂદ્ધસિંહ જાડેજાનો જૂનાગઢ જેલમાંથી છૂટકારો થયો હતો. આ સ્થિતિમાં જૂનાગઢ જેલની કસ્ટડી ગણાશે અને ત્યાં જ હાજર થવું પડશે તેમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ રૂરલ પોલીસના જાણકાર અધિકારીઓએ સરેન્ડર કરે તેવી શકયતા દર્શાવી છે. જો તેમ થશે તો ટુંક સમયમાં ગોંડલ તાલુકા પોલીસ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરશે તેમ પણ રાજકોટ રૂરલ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં છેલ્લા ઘણાં સમયથી અનિરૂદ્ધસિંહ જાડેજા ફરાર છે. આ સમય દરમિયાન જ જેલ સત્તાવાળાઓ સમક્ષ સરેન્ડર કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો હતો.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
