<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ગુજકોસ્ટ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરશે : ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

રાજ્યભરમાં ગુજકોસ્ટ ના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs) અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) વિશ્વ ઓઝોન દિવસના કાર્યક્રમોનું આયોજન કરશે.

ગાંધીનગર :વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ, ગુજરાત સરકારના નેજા હેઠળ કાર્યરત સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) વિશ્વ ઓઝોન દિવસની ઉજવણીને નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ગાંધીનગરની ગવર્મેન્ટ સાયંસ કોલેજ, સેક્ટર- ૧૫ ખાતે યોજાશે.

વિશ્વ ઓઝોન દિવસનો હેતુ ઓઝોન સ્તરને સુરક્ષિત રાખવાની મહત્વતા અને વાતાવરણના આરોગ્યને જાળવવાનો સંદેશ આપવાનો છે. આ દિવસ ૧૯૮૭ના "મોન્ટ્રિયલ પ્રોટોકોલ"ની યાદમાં પણ મનાવવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંધિ છે અને જેમાં ઓઝોનને નુકસાન કરતા ક્લોરો ફ્લોરો કાર્બન (CFC)ના ઉત્પાદન અને વપરાશ પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂકાયો હતો. આ સંધિએ ધરતી પર જીવનને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

વિશેષ જાગૃતિ કાર્યક્રમ ગવર્મેન્ટ સાયંસ કોલેજના ઑડિટોરિયમમાં સવારે ૯:૩૦ વાગ્યાથી શરૂ થશે, જેમાં ૨૦૦થી વધુ  વિદ્યાર્થીઓ ભાગ લેશે. કાર્યક્રમમાં જાગૃતિ કાર્યક્રમ, પરસ્પર ચર્ચા સત્રો, તથા વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. જેમાં તેઓ ઓઝોન સ્તરનું મહત્વ, આબોહવાની સ્થિરતા સાથે તેનો સંબંધ, તથા પર્યાવરણને ટકાવી રાખવા માટેની જરૂરી પ્રથાઓ વિશે સમજ મેળવી શકશે.

કાર્યક્રમમાં નિષ્ણાતોના પ્રવચનો, જાગૃતિ અભિયાન, તથા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા સત્રો યોજાશે. મુખ્ય આકર્ષણોમાં સમાવિષ્ટ છે, કર્યક્રમ દરમિયાન  ડૉ. ડી. પી. પટેલ, પ્રિન્સિપાલ, ગવર્મેન્ટ સાયંસ કોલેજ, ગાંધીનગર દ્વારા પ્રારંભિક સંબોધન કરશે.  ડૉ. સંજય ઠક્કર, પ્રિન્સિપાલ, એમ.એન. શુક્લા કોલેજ, અમદાવાદ દ્વારા ઓઝોન દિવસ પર સંબોધન કરવામાં આવશે. ડૉ. એસ. રામચંદ્રન, સિનિયર વૈજ્ઞાનિક, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ દ્વારા મુખ્ય પ્રવચન યોજાશે. ડૉ. નરોત્તમ સાહૂ, સલાહકાર અને સભ્ય સચિવ, ગુજકોસ્ટ દ્વારા "વિજ્ઞાનને વૈશ્વિક ક્રિયામાં રૂપાંતર" વિષય પર સંબોધન કરવામાં આવશે.

આ ઉપરાંત એમ.એન. શુક્લા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા "હોલ સ્ટોરી" નામનું નાટક રજૂ થશે, જે સર્જનાત્મક રીતે ઓઝોન સ્તરનાં છિદ્રના કારણો અને તેની અસર દર્શાવશે. સાથે જ ઓઝોન જાગૃતિ ક્વિઝનું પણ આયોજન છે.

આ ઉજવણી રાજ્યના તમામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો અને ભારતભરના વિવિધ વિજ્ઞાન-ટેકનોલોજી પરિષદો (S&T Councils) સુધી જીવંત પ્રસારણ થકી પહોંચાડવામાં આવશે. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં વૈજ્ઞાનિક ચેતના વધારવો અને પર્યાવરણ માટે જવાબદાર વલણ વિકસાવવાનો છે.

તમામ ભાગ લેનારા વિદ્યાર્થીઓ "ઓઝોન પ્રતિજ્ઞા" પણ લેશે, જેમાં તેઓ પર્યાવરણમૈત્રી પ્રથા અપનાવવાની, ઓઝોનને નુકસાન કરતી પદાર્થોમાં ઘટાડો કરવાની, અને સમાજમાં જાગૃતિ ફેલાવવાની પ્રતિબદ્ધતા જાહેર કરશે.

આ પહેલ દ્વારા ગુજકોસ્ટ ફરી એકવાર પોતાનું વચન પુનરાવર્તિત કરે છે કે તે વૈજ્ઞાનિક જાગૃતિ વધારવા અને નવી પેઢીને પર્યાવરણ સુરક્ષા તથા ટકાઉ ભવિષ્ય માટે યોગદાન આપવા પ્રેરિત કરશે.

(8:39 PM IST)