<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

દૂધના પૂરતા ભાવ સહિતના મુદ્દે પશુપાલકોએ રેલી યોજી માર્ગો ઉપર દૂધ ઢોળી દૂધસાગર ડેરીના ચેરમેન સામે આક્રોશ ઠાલવ્યો

દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવ ન અપાતા તેમજ સાગરદાળની ગુણવત્તા સહિતના મુદ્દાઓને લઈને હારીજ ખાતે સમી,શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું

દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવ ન અપાતા તેમજ સાગરદાળની ગુણવત્તા  સહિતના મુદ્દાઓને લઈને આજે હારીજ ખાતે સમી,શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો  ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલકોએ રેલી યોજી માર્ગો ઉપર દૂધ ઢોળી દૂધસાગર ડેરીના ચેરમેન સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી ગણાતી દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા નથી તેમ જ પશુઓને આહાર માટે આપવામાં આવતું સાગરદાનની ગુણવત્તા ઘટાડી છે, જેના કારણે પશુઓ આ દાણ ખાતા નથી, તેથી પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે, ત્યારે આ મુદ્દાઓને લઈને આજે હારીજ ખાતે સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ત્રણેય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા અને સંમેલનમાં  દૂધ સાગર ડેરીના ચેરમેન  સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. 

દૂઘસાગર ડેરીની વિવિધ લોનોનું ભારણ કોના માથે, ડેરીના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહેસાણા દૂધ સાગર ડેરીના સમર્થકો મોટી સંખ્યામાં આવી પહોંચતા પશુપાલકો અને સમર્થકો વચ્ચે ઘર્ષણ થવા પામી હતી. પોલીસે સમયસર ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડયો હતો. સંમેલન બાદ મોટી સંખ્યામાં પશુપાલકોએ રેલી યોજી હતી, જેમાં ચેરમેન અશોક ચૌધરી સામે સુત્રોચ્ચાર  કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે રોડ ઉપર દૂધ ઢોળી પશુપાલકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે, દેવું ઓછું કરવામાં આવે, નોકરીએ રાખવામાં આવેલા મળતીયાઓને ઘર ભેગા કરી ઓછા પગારમાં વધુ કર્મચારીઓ રાખવામાં આવે તેવી માંગ પશુપાલકોએ કરી હતી.

આ સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવો નહીં અપાતા તેમજ સાગરદાનની ગુણવત્તા સહિતના અનેક મુદ્દાઓને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ આક્ષેપોનું  સમી હારીજ વિભાગના ડિરેક્ટર સકત્તાભાઈ ભરવાડે ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે, ચેરમેન સામે કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા અને બે બુનિયાદ છે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે. આ ખોટા વિરોધો કરવામાં આવી રહ્યા છે. લેબોટરીમાં ચેક થયેલું સાગરદાણ પશુપાલકોને આપવામાં આવે છે એ ગુણવત્તા વગરનું હોત તો બનાસ ડેરી આપણી પાસેથી ખરીદ્યું ન હોત. સંમેલનમાં સંખ્યા દેખાડવા માટે બહારથી માણસોને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તો કાનજીભાઈ દેસાઈ સોઢવ દૂધ મંડળીના પ્રમુખએ જણાવ્યું હતું કે, જે લોકોને ડેરી પસંદ નથી તેવા લોકોના હાથા બનીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે શિવાભાઈ ના ઘેર એક પણ ઢોર નથી તેઓએ કદી દૂધ ભરાવ્યુ નથી તેઓ બીજાના પૈસે આ પ્રકારના કામો કરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

(7:19 PM IST)