<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

રાજપીપળાથી ભરૂચ, અંકલેશ્વર તરફ જતો ભ્રષ્ટાચારી બિસ્માર રસ્તો જલદી બનાવવા માંગ

ઘણા વર્ષોથી રાજપીપળા ભરૂચ, અંકલેશ્વર જતા વચ્ચેનો માર્ગ કોન્ટ્રાકટરની લડાઈમાં જર્જરિત :વરસાદમાં બિસ્માર બનેલા આ માર્ગ પર અકસ્માતનો વરસાદ વરસે છે

(ભરત શાહ દ્વારા )નર્મદા : આખા ગુજરાત રાજ્યમાં હાઈવે હોય કે ગામ, શહેર ના રસ્તા હોય હાલ ચોમાસામાં તદ્દન ખરાબ થયા અને મોટા ભૂવા પડ્યા ઠેર ઠેર અકસ્માત થાય છે જેમાં કેટલાકના મોત પણ થયા છતાં સરકાર કે સ્થાનિક તંત્ર ના અધિકારીઓની ઊંઘ ઉડતી નથી કે સ્થાનિક રાજકીય આગેવાનો પણ જાણે મૌન વ્રત લઈને બેઠા છે.
   વડા પ્રધાન મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ રસ્તા ઉપર અવાર નવાર ના આવી શકે એટલે એમણે નેતાઓ અને સંલગ્ન અધિકારીઓ મુક્યા છે, બીજા પક્ષો ભા.જ.પાને બદનામ કરે છે કે નહીં એ તો ખબર નથી, પણ આ રસ્તાઓ પરથી ખબર પડે છે કે વિશ્વાસથી આપેલા મત, અને ભરેલો વેરો એ વ્યર્થ ગયો હોય એવો અહેસાસ થાય છે.
ચૂંટણી ટાણે મત માંગવા નીકળતા નેતાઓ વાયદાઓ તો ઘણા આપે છે પણ ચૂંટાયા બાદ પાયાની સુવિધા પણ સારી રીતે મળતી નથી, જેમાં રસ્તા, પાણી અને વીજળી જેવી બાબતોમાં સરકાર અને તેમના પ્રતિનિધિઓ તદ્દન નિષ્ફળ જોવા મળ્યા છે.
રાજપીપળાથી ભરૂચ કે અંકલેશ્વર જતા વાહન ચાલકો વચ્ચે જ તદ્દન જર્જરિત માર્ગના કારણે ઘણા વર્ષોથી તકલીફ વેઠતા આવ્યા હતા જેમાં બે કોન્ટ્રાક્ટરો વચ્ચેની લડાઈ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ આ માર્ગ કંઈક અંશે સુધર્યો પરંતુ ગુણવત્તા વગર નું ભ્રષ્ટાચારી કામ થયું હશે માટે થોડાજ સમય માં ચોમાસા માં આ રસ્તો ફરી ભંગાર બની જતા વાહન ચાલકોને શરીરમાં, કમરમાં, હાડકામાં તકલીફ જોવા મળે છે. ઉપરાંત દરરોજ સવાર થી રાત સુધી દોડતી રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો કે જે અધિકારીઓની રહેમનજરમાં દોડે છે તથા તેમના ખિસ્સા ભરે છે તે ટ્રકોના કારણે પણ માર્ગો ખરાબ થઈ રહ્યા છે. માટે આ તમામ મુદ્દાઓને ગંભીરતાથી લઈ રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના તમામ ભંગાર માર્ગ યોગ્ય બનાવવામાં આવે તેવી લોકલાગણી છે

(10:46 PM IST)