તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
મ્યાનમારથી ચાલતા ડીઝીટલ ગુલામીના ફ્રોડ રેકેટનો પર્દાફાશ : સુરત સાયબર ક્રાઇમ દ્વારા એકની ધરપકડ
પોલીસે પાંચ મહિના સુધી ચાઈનીઝ માફિયાઓ સાથે કામ કરનારા મુખ્ય એજન્ટ અલ્ફાઝ મેમણને આણંદથી ઝડપી પાડ્યો: અલ્ફાઝ અમદાવાદનો રહેવાસી :તેણે બે ગુજરાતી યુવકોને આ રેકેટમાં ફસાવ્યા હોવાનો આરોપ

સુરતઃ શહેર સાયબર ક્રાઈમ પોલીસે મ્યાનમારમાં ચાલતા એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ભારતીય યુવકોને નોકરીની લાલચ આપીને ડિજિટલ ગુલામીમાં ધકેલવામાં આવતા હતા. આ કેસમાં પોલીસે પાંચ મહિના સુધી ચાઈનીઝ માફિયાઓ સાથે કામ કરનારા મુખ્ય એજન્ટ અલ્ફાઝ મેમણને આણંદથી ઝડપી પાડ્યો છે. અલ્ફાઝ અમદાવાદનો રહેવાસી છે અને તેણે બે ગુજરાતી યુવકોને આ રેકેટમાં ફસાવ્યા હોવાનો આરોપ છે.
મળતી માહિતી મુજબ, મલેશિયન એજન્ટો દ્વારા અલ્ફાઝ મ્યાનમાર પહોંચ્યો હતો અને ત્યાં ‘કેકે પાર્ક’ નામના એક વિશાળ કોલ સેન્ટરમાં કામ કરતો હતો. આ કોલ સેન્ટર પાંચ ભાગમાં વહેંચાયેલું છે અને તેમાં 300થી વધુ ફ્રોડ કંપનીઓ કાર્યરત છે. અહીં, યુવકોને ફાઈન્ડર, ચેટર અને બોસ જેવા સાત જુદા જુદા લેયરમાં કામ કરવું પડતું હતું. આ યુવકોનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બનાવવાનો હતો. આ માટે તેઓ ટાર્ગેટને ફસાવવા માટે હાઈ-પ્રોફાઈલ સુંદરીઓનો પણ ઉપયોગ કરતા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરતા આણંદથી ઝડપાયેલા અલ્ફાઝની તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેણે બે ગુજરાતી યુવકોને આ જાળમાં ફસાવ્યા હતા. જ્યારે આ રેકેટ વિશે ભારતમાં ખુલાસો થયો, ત્યારે ત્રણ યુવકો બેંગકોકથી મ્યાનમાર જવાને બદલે ભારત પરત ફર્યા હતા.
આ રેકેટમાં કામ કરતા એજન્ટોને ઊંચા પગારની લાલચ આપવામાં આવતી હતી. જેમાં અલ્ફાઝને દર મહિને પાંચ લાખ રૂપિયા જેટલો પગાર મળતો હતો. સુરત પોલીસ આ કેસમાં વધુ તપાસ ચલાવી રહી છે. જેથી આ આંતરરાષ્ટ્રીય રેકેટના અન્ય તારને પણ શોધી શકાય.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
