<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th September 2025

વિજયભાઇની અંતિમયાત્રા સમયનો ખર્ચ પક્ષે પરિવાર પાસેથી વસૂલ્‍યો

 

રાજકોટ : ગુજરાતનું સુકાન સુપેરે સંભાળનાર પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. વિજયભાઈ રૂપાણીનું વિમાની દુર્ઘટનામાં અવસાન થયુ હતું. ત્‍યારબાદ રાજકોટમાં તેમની સ્‍મશાનયાત્રામાં વરસતા વરસાદે ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત ભાજપ અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી શ્રી સી.આર. પાટીલ સહિત હજારો લોકો - મહાનુભાવો જોડાયા હતા.

દરમિયાન આ સ્‍મશાનયાત્રાનો, શહેરમાં આ દુઃખદ પ્રસંગે મારવામાં આવેલ હોર્ડીંગ્‍સ, ફુલહાર, સાઉન્‍ડ, ફોટા સહિતની તમામ એરેન્‍જમેન્‍ટ માટે વીસેક લાખ રૂપિયાનો ખર્ચ ભાજપ પક્ષે ઉપાડયો હતો.

દરમિયાન મળતી ભરોસાપાત્ર વિગતો મુજબ હવે પક્ષ દ્વારા આ ખર્ચ સ્‍વ.વિજયભાઈ અને અંજલીબેનના પરિવાર પાસેથી વસૂલવામાં આવ્‍યો છે. સત્તાવાર વર્તુળોને પૂછતા આ વાતને સમર્થન મળી રહ્યુ છે. આ બાબતની ભારે ચર્ચા ચાલી રહી છે.

સ્‍વ. વિજયભાઈની સ્‍મશાનયાત્રાના રૂટ ઉપરના હોર્ડીંગ્‍સ, શબવાહીનીના શણગારનો ખર્ચ, તેમના નિવાસે મહાનુભાવો માટે રાખવામાં આવેલ ફુલહાર, રેસકોર્ષમાં યોજાયેલ બેસણા - પ્રાર્થનાસભાની ગોઠવણ, ભાજપ કાર્યાલયે રખાયેલ પ્રદર્શિની, સ્‍મશાનના રૂટ ઉપર ફુલ, પુષ્‍પાંજલી ઉપરાંત, રોડ ઉપર ફુલોની વ્‍યવસ્‍થા, સાઉન્‍ડ, ફોટા, વિવિધ મંડપો સહિત તમામ ખર્ચ જે અંદાજે વીસેક લાખનો ગણાવાય છે તે પરિવાર પાસેથી વસૂલવામાં આવ્‍યાની ભારે ચર્ચા છે. વિજયભાઈના પરિવારનો સંપર્ક સાધવા પ્રયાસ કરી રહ્યા છીએ.

એવી પણ ચર્ચા છે કે પક્ષ એવુ માને છે કે બેસણું પ્રાર્થનાસભા, સ્‍મશાનયાત્રા વિ. અંગત ખર્ચ ગણાય, ખાનગી પરિવારનો પ્રસંગ ગણાય અને તે પરિવારે ભોગવવો જોઈએ.

દરમિયાન આવતીકાલે રાજકોટમાં ભવ્‍ય સંગીત મઢયો કાર્યક્રમ છે તેના એકાદ હજાર બેનર શહેરમાં લાગ્‍યા છે તેનો ખર્ચ અત્‍યારે તો પક્ષે ભોગવ્‍યાનું કહેવાય છે પરંતુ તેનો ખર્ચ આયોજકો પાસેથી લેવાશે કે કેમ તે કોઈ કહેતુ નથી. ઉપરાંત અવાર નવાર યોજાતા મોટા કાર્યક્રમોના ખર્ચ પણ જે તે આયોજકો પાસેથી લેવાય છે કે કેમ તે જાણવા મળતુ નથી.(૩૭.૭)

(2:45 PM IST)