<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

માર્ગ અને મકાન વિભાગમાં અધિકારીઓની બદલી અને બઢતી : કે.કે. ઓઝાની મહેસાણા બદલી : જ્યારે એચ.સી. મહેતા અને ડી.ઓ. નાકરાણીને અધિક્ષક ઈજનેર તરીકે બઢતી

જાહેર હિતમાં થયેલી બદલી અને બઢતીના આદેશોનો તાત્કાલિક અમલ કરવા જણાવાયું : ગાંધીનગર વિદ્યુત વિભાગના વર્તુળમાં ખાલી પડેલી જગ્યા પર ડી.ઓ. નાકરાણીની નિમણૂક કરાઈ

ગાંધીનગર: માર્ગ અને મકાન વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ જારી કરવામાં આવ્યા છે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને, વિદ્યુત (મા.મ) વર્તુળ, ગાંધીનગરમાં ફરજ બજાવતા અધિક્ષક ઈજનેર, વર્ગ-૧, કે.કે. ઓઝાની તાત્કાલિક અસરથી બદલી વિદ્યુત (મા.મ) વર્તુળ, મહેસાણા ખાતે કરવામાં આવી છે.
આ ઉપરાંત, વિભાગ દ્વારા બે કાર્યપાલક ઈજનેરોને બઢતી આપીને અધિક્ષક ઈજનેર, વર્ગ-૧, તરીકે નિમણૂક આપવામાં આવી છે. ભાવનગર વિદ્યુત વિભાગમાં ફરજ બજાવતા કાર્યપાલક ઈજનેર એચ.સી. મહેતાને બઢતી આપીને વિદ્યુત (મા.મ) વર્તુળ, વડોદરા ખાતે મૂકવામાં આવ્યા છે. વડોદરામાં કે.કે. ઓઝા આ જગ્યાનો વધારાનો હવાલો સંભાળતા હતા, જે હવે મુક્ત થયો છે.
બીજા એક મહત્વના નિર્ણયમાં, અમદાવાદ હાઈકોર્ટ વિદ્યુત વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે કાર્યરત ડી.ઓ. નાકરાણીને બઢતી આપીને અધિક્ષક ઈજનેર, વર્ગ-૧, તરીકે વિદ્યુત (મા.મ) વર્તુળ, ગાંધીનગર ખાતે નિમણૂક આપવામાં આવી છે. આ જગ્યા કે.કે. ઓઝાની બદલીથી ખાલી પડી હતી.
આદેશ મુજબ, બદલી/બઢતી મેળવતા તમામ અધિકારીઓએ તાત્કાલિક પોતાની વર્તમાન ફરજ પરથી મુક્ત થઈને નવી જગ્યાએ હાજર થવાનું રહેશે અને તેની જાણ વિભાગને ઈ-મેલ દ્વારા કરવાની રહેશે. જો બઢતી મેળવનાર અધિકારીઓ નિર્ધારિત સમયમર્યાદામાં હાજર નહીં થાય, તો તેઓએ બઢતીનો અસ્વીકાર કર્યો છે તેમ ગણવામાં આવશે.
 

 

(10:54 PM IST)