<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

પાટણના સાંતલપુરના પુરગ્રસ્‍ત વિસ્‍તારોમાં જગદીશ વિશ્વકર્માના હસ્‍તે સહાય વિતરણ

પશુઓ ગુમાવનારા પશુ પાલકોને સહાયના ચેક અપાયા

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ,તા.૧રઃ પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં થયેલા ભારે વરસાદના લીધે આ વિસ્‍તારો સૌથી વધુ અસરગ્રસ્‍ત બન્‍યા છે. આ વિસ્‍તારમાં ફરીથી જન જીવન ધબકતું થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અગ્રેસર બન્‍યું છે. સરહદી વિસ્‍તારના ગામડાઓ રાધનપુર -સાંતલપુર તાલુકાના ગામડાઓ જેમ કે નલિયા, કલ્‍યાણપુરા, બહુગા, બરારા, વોવા, રણમલપુરા, બાબસ વગેરે માં ભારે વરસાદના લીધે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્‍કેલીમાં મુકાયા છે.

આ વિસ્‍તારમાં જન જીવન ધબકતું થાય તે માટે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાટણ જિલ્લાના સરહદી વિસ્‍તારના તાલુકાઓની મુલાકાત લીધી હતી. જ્‍યાં સરહદી વિસ્‍તારમાં વસતા ગ્રામીણોને વિાવાસ અપાવ્‍યો હતો કે આ વિક્‍ટ ની પરિસ્‍થિતિમાં રાજય સરકાર તમારી પડખે છે. પ્રભારી મંત્રીશ્રી એ સરહદી ગામડાઓ જેવા કે નલિયા, કલ્‍યાણપુરા, બહુત્રા, બરારા, વોવા, રણમલપુરા, બાબરાની મુલાકાત લીધી હતી.

પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્‍યું હતું કે, સરહદી તાલુકામાં વરસાદના લીધે નુકશાન થયું છે. ગુજરાતના મુખ્‍યમંત્રીશ્રી આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. આવા કપરા સમયમાં આપણી પણ ફરજ છે કે આવી પરિસ્‍થિતિમાં આપણે સૌ સાથે રહીને એકબીજાને મદદરૂપ બનીએ. જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો, પશુપાલકોને થયેલા નુકશાનના સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર વિક્‍ટ પરિસ્‍થિતિમાં તમારી સાથે છે. આપ સૌ ચિંતા ના કરતા સરકાર તમારા જોડે છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારા સભ્‍ય સવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્‍ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી વી.સી. બોડાણા, સંગઠનના પદાધિકારીઓ શ્રી રમેશભાઈ સેંઘવ, ગામના આગેવાનો, ગામના લોકો ઉપસ્‍થિત રહયા હતા.

(3:26 PM IST)