<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ચોમાસા બાદ શહેરમાં રોગચાળામાં ધરખમ વધારો

અમદાવાદમાં પણ રોગચાળાએ માથું ઉંચક્યું છેઃજો છેલ્લા બે દિવસના રોગચાળાના આંકડાની વાત કરીએ તો ડેન્ગ્યુના ૨૧૫ શંકાસ્પદ કેસ નોંધાયા છે

અમદાવાદ,તા.૧૦

રાજ્યમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યા છે અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ત્યારે વડોદરામાં પણ સિઝનમાં મેઘો મુશળધાર વરસ્યો છે. જો કે વરસાદના પાણી ઓસર્યા બાદ હવે શહેરમાં રોગચાળો પણ વકર્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં રોગચાળાએ માઝા મૂકી છે. જો છેલ્લા બે દિવસના રોગચાળાના આંકડાની વાત કરીએ તો ડેન્ગ્યુના ૨૧૫ શંકાસ્પદ કેસ નોંધાયા છે તો ચિકનગુનિયાના ૬૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે.

જ્યારે મેલેરિયાના ૨,૧૯૪ શંકાસ્પદ કેસ, ટાઈફોઈડના ૬૨ શંકાસ્પદ કેસ નોંધાયા છે.

 બે દિવસમાં ટાઈફોઈડ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસોએ માથું ઉંચક્યું છે. દર્દીઓએ પણ કહ્યું કે ઠેર ઠેર લોકો બિમાર છે અને આ આંકડા તો ફક્ત સરકારી હોસ્પિટલના જ છે, જો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં આમાં ઉમેરવામાં આવે તો આંકડો બેથી ત્રણ ઘણો વધે તેવી સ્થિતિ છે. જો કે તંત્ર દ્વારા પણ શહેરમાં રોગચાળો વધુ ના વકરે તેના માટે વરસાદી પાણી ઓસર્યા બાદ અલગ-અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

બીજી તરફ અમદાવાદમાં પણ રોગચાળાએ માથું ઉંચક્યું છે. સ્વાઈન ફ્લૂનો એક કેસ પોઝિટિવ નોંધાયો છે. પોઝિટિવ દર્દીને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોલા સિવિલમાં ડેન્ગ્યુના ૯૩ પોઝિટિવ દર્દી સારવાર લઈ રહ્યા છે. સોલા સિવિલમાં ઓપીડી ૧૫,૧૪૭એ પહોંચી છે.

(9:59 PM IST)