<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

ખેડૂત પરિવારના ૩ સંતાનોનો સંઘર્ષ સફળતાઃ કોચિંગ ક્‍લાસ વગર બન્‍યા સરકારી અધિકારી

ભાવનગર જિલ્‍લાના મહુવા તાલુકાના નાનકડા ગામ સેંદરડાના એક ખેડૂત પરિવારના ત્રણ સંતાનોએ કોઈપણ કોચિંગ ક્‍લાસમાં ગયા વગર જ પોતાની મહેનતથી સરકારી અધિકારી બનીને સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. આ આર્થિક રીતે નબળા પરિવારના સંઘર્ષની ગાથા પ્રેરણાદાયક છે.

પરિવારનો સંઘર્ષઃ સેંદરડા ગામના શ્રી બીજલભાઈ ભીખાભાઈ હડિયા સામાન્‍ય ખેડૂત છે. પરિવારનું ગુજરાન ચલાવવા તેઓ સુરત જઈને રત્‍ન કલાકાર તરીકે હીરા ઘસતા હતા.

 તેમની પત્‍ની શ્રીમતી ભાવનાબેને ગામમાં રહીને પશુપાલન, ખેતી અને ઘરકામની સાથે એકલા હાથે સંતાનોનો ઉછેર કર્યો.

આર્થિક તંગીના કારણે સંતાનોના અભ્‍યાસનો ખર્ચ પરવડતો નહોતો, તેથી માતા પણ સુરત આવીને સિલાઈ કામ કરીને પરિવારને મદદ કરવા લાગ્‍યા.

આ સંઘર્ષ છતાં, પરિવારના સંતાનોએ નક્કી કર્યું હતું કે તેઓ ગમે તે ભોગે ભણીને આગળ વધશે જ.

પ્રકાશભાઈ હડિયાઃ સૌથી મોટા સંતાન પ્રકાશભાઈએ જુનાગઢની એગ્રીકલ્‍ચર યુનિવર્સિટીમાંથી B.Tech. નો અભ્‍યાસ કર્યો.

તેમણે IIT-ખડગપૂરમાં M.Tech. અને ICAR-નવી દિલ્‍હીમાં Ph.D. માટે પ્રવેશ મેળવ્‍યો, જેમાં તેમણે ઓલ ઇન્‍ડિયા રેન્‍ક-૧ મેળવ્‍યો. આ અભ્‍યાસ દરમિયાન જ તેમણે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી. તેમણે GPSCની એગ્રીકલ્‍ચર એન્‍જિનિયર, સુપર ક્‍લાસ-૨ની પરીક્ષામાં ઓલ ગુજરાત રેન્‍ક-૧ મેળવ્‍યો અને હાલ સુરતમાં મદદનીશ કૃષિ નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે.  પરિવારની જવાબદારીને કારણે તેમણે કૃષિ વૈજ્ઞાનિકનો ઈન્‍ટરવ્‍યુ જતો કર્યો અને ગુજરાત કેડર પસંદ કરી.

હર્ષા હડિયાઃ હર્ષાબેને ઘરમાં રહીને માતાને મદદ કરતાં કરતાં એક્‍સટર્નલ B.Com.નો અભ્‍યાસ પૂર્ણ કર્યો. તેમણે ૨૦૨૨ થી અત્‍યાર સુધીમાં પાંચ સરકારી પરીક્ષાઓમાં સફળતા મેળવી છે, અને બિન સચિવાલય ક્‍લાર્ક, સિનિયર કલાર્ક, ફોરેસ્‍ટ બીટગાર્ડ, હેડ કલાર્ક અને તાજેતરમાં પેટા તિજોરી અધિકારી/અધિક્ષક સુધીની કેડરમાં સમાવેશ થાય છે. હાલ તેઓ નિયામકશ્રી આયુષની કચેરીમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવે છે અને હજુ પણ આગળ વધવા માટે તૈયારી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આર્થિક પરિસ્‍થિતિએ જ તેમને સંઘર્ષ સામે લડવાની પ્રેરણા આપી છે અને તેમની સફળતાનો શ્રેય તેમના માતા-પિતાના સંઘર્ષને જાય છે.

કિરણ હડિયા સૌથી નાના સંતાન કિરણબેને પણ પોતાના ભાઈ-બહેનોના માર્ગદર્શન હેઠળ મહેનત કરી. કોઈપણ ટ્‍યુશન ક્‍લાસમાં ગયા વગર જ તેમણે GSSSB દ્વારા લેવાયેલ CCE Group-Bની પરીક્ષા પાસ કરી. ર્ં હાલ તેમની પસંદગી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ આસિસ્‍ટન્‍ટ ડેપો મેનેજર તરીકે થઈ છે.

આ ત્રણેય ભાઈ-બહેનોની સફળતા એ વાતનો પુરાવો છે કે સખત મહેનત, ધગશ અને પરિવારના સહયોગથી કોઈપણ મુશ્‍કેલીને પાર કરી શકાય છે. તેમની આ સિદ્ધિ અનેક યુવાનો માટે પ્રેરણાદાયક બની રહેશે.

તસવીરમાં પ્રેરણા સ્રોત માતા પિતા અને  યશસ્‍વી સફળતા હાંસલ કરનાર ત્રણેય ભાઈ બહેન નજરે પડે છે.(૪૦.૨૪)

આલેખન

અશ્વિન જાટીયા

ગાંધીનગર

(11:03 AM IST)