તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th September 2025
રોકાણકારોને 20થી 23 ટકા વળતરની લાલચ આપી કરોડોનો ચૂનો ચોપડ્યો : સુરતથી મહિલાની ધરપકડ
રજીસ્ટર કર્યા વગરની ગ્રોમની નામની કંપની ખોલીને તેના પરિચીત લોકોને રોકાણ કરાવ્યું: મહિલાએ મૂડી કે વળતર ન આપીને છેતરપિંડી આચરી: ચાંદખેડા પોલીસે જીગીષા જાદવની ધરપકડ કરી

અમદાવાદ : ચાંદખેડા પોલીસે જીગીષા જાદવ નામની મહિલાની છેતરપીંડીનાં ગુનામાં સુરતથી ધરપકડ કરી છે. મહિલા આરોપીએ પહેલા શેરબજારનું કામ કરીને અનુભવ કેળવ્યો હતો. બાદમાં તેણે રજીસ્ટર કર્યા વગરની ગ્રોમની નામની કંપની ખોલીને તેના પરિચીત લોકોને રોકાણ કરવાનું કહીને 20થી 23 ટકા વળતરની લાલચ આપી હતી. રોકાણકારોને એકાદ બે વાર વળતર બતાવતા કુલ 37 લોકોએ 2.43 કરોડનું રોકાણ કર્યુ હતું. જે બાદ આરોપી મહિલાએ મૂડી કે વળતર ન આપીને છેતરપિંડી આચરી હતી. પકડાયેલી મહિલા સામે વેજલપુર અને સીઆઇડી ક્રાઇમમાં પણ અરજી ફરિયાદ નોંધાઈ છે. આમ, મહિલાએ આશરે 40થી 50 લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી હોવાની પોલીસને શંકા છે.
જગતપુરમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીમાં રહેતા સપનાબેન પીઠડીયા ગાંધીનગર ઇન્ફોસીટીમાં નોકરી કરતા હતા, ત્યારે સાથીકર્મી જીગીશા જાદવ સાથે પરિચય થયો હતો. વર્ષ 2023માં જીગીશાએ સુરતમાં ગ્રો મની નામની ટ્રેડીંગ કંપની ચાલુ કરી હોવાનું જણાવીને ટ્રેડીંગના ત્રણ માસ સુધીના રોકાણમાં 20 ટકા જેટલો નફો આપતી હોવાની લોભામણી લાલચ આપી હતી. સપનાબેનને ભરોસો બેસતા પોતાનાં 25 લાખ તેમજ તેમના નજીકના મિત્ર વર્તુળનાં કુલ 34 લોકો પાસે કુલ 1.88 કરોડનું રોકાણ કરાવ્યું હતું. થોડા મહિના સુધી જીગીશાએ તમામને વળતર આપ્યા બાદ નાણાં આપવાનું બંધ કરી દીધું હતું. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીગીશાએ છેતરપિંડી કરવાના ઇરાદે કંપની શરૂ કરીને રોકાણકારો પાસેથી કુલ 2.24 કરોડની રકમ મેળવીને છેતરપિંડી આચરી હતી.
આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપી જીગીષા જાદવની ધરપકડ કરી છે. આરોપી સામે વેજલપુરમાં 25 લાખની છેતરપિંડીની ફરિયાદ તથા સીઆઇડી ક્રાઇમમાં છ કરોડની અરજી નોંધાઇ છે. જેથી આગામી સમયમાં આ બંને પોલીસ પણ મહિલા આરોપીની ધરપકડ કરશે. સાથે જ ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે.
મહિલા આરોપી જીગીષા જાદવે છેતરપિંડીથી કમાયેલા નાણાંનું અનેક જગ્યાએ રોકાણ કર્યુ છે. તેણે સુરતના પાલમાં ચાર મકાન, જમીન અને દાગીના ખરીદ્યા હોવાનું સામે આવ્યુ છે. આરોપી મહિલા સામે જીપીઆઇડી એક્ટ મુજબ કાર્યવાહી કરીને મિલકત ટાંચમાં લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
