News of Tuesday, 9th September 2025
કારખાનાના કામદારોની સુરક્ષા અને કલ્યાણ માટેના વટહુકમને વિધાનસભામાં બહાલી
સરકારે કામના કલાકો, ઓવરટાઇમ અંગે જોગવાઇ કરેલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૯: આથી, ગુજરાત રાજ્યને લાગુ પડતો હોય તેટલે સુધી કારખાના અધિનિયમ, ૧૯૪૮ની જોગવાઇઓ નીચે પ્રમાણે સુધારવા ધાર્યું છે તેમ વિધાનસભામાં જણાવાયું હતું.
(૧) વધુ આર્થિક પ્રવળત્તિઓ અને રોજગારીની તકો ઊભી કરવા માટે, કામના કલાકોની સંખ્યા, કોઇપણ અઠવાડિયામાં મહત્તમ ૪૮ કલાકને અધીન રહીને, કોઈપણ દિવસે આરામના અંતરાલ સહિત પ્રવર્તમાન નવ કલાકથી વધારીને બાર કલાક સુધી કરવાની રાજ્ય સરકારને પરવાનગી આપવી. વિધેયકની કલમ ૨થી, તે માટેની જોગવાઈ કરેલી છે.
(૨) કામના કલાકોમાં છૂટછાટની જોગવાઈઓને કારણે, કામના દરરોજના મહત્તમ કલાકોનો સમય વધારવાનું સરળ બનાવવા, કોઈપણ જૂથ અથવા વર્ગ અથવા વર્ણનના કારખાનામાં, કોઈ કામદાર દ્વારા કરવામાં આવતા કામના કલાકોની કુલ સંખ્યા વધારીને આરામના અંતરાલ વગર છ કલાકની કરવા માટે રાજ્ય સરકારને પરવાનગી આપવી. વિધેયકની કલમ ૩થી, તે માટેની જોગવાઈ કરેલી છે.
(૩) કામકાજના જેટલા કલાકથી વધારાના કલાક માટે કામદારને ઓવર-ટાઈમ કામના સંબંધમાં વેતનના સામાન્ય દર કરતાં બમણા દરે વેતન ચૂકવવાપાત્ર હોય તેવા કોઈપણ દિવસના અથવા કોઈપણ અઠવાડિયાના કામના કલાકો ઠરાવવાની રાજ્ય સરકારને પરવાનગી આપવી. વિધેયકની કલમ પથી, તે માટેની જોગવાઈ કરેલી છે.
(૪) કામના અસાધારણ ભારણને પહોંચી વળવા માટે, ત્રિમાસમાં, વધારાના સમયગાળા માટે કામદારોને ઓવર-ટાઈમ પર રોકવાની કારખાનાને પરવાનગી આપવી. વિધેયકની કલમ ૬થી, તે માટેની જોગવાઈ કરેલી છે.
(૫) સમાનતા અને કામ તેમજ વેતનની સમાન તક પૂરી પાડીને, મહિલા કામદારોને ઓવર-ટાઈમ પર રોજગારી આપવી અને રાતપાળીમાં કામ કરતી મહિલા કામદારોની સલામતી અને આરોગ્યને સુનિヘતિ કરવાની શરતોને અધીન રહીને, રાતપાળી માટે કામ કરવા ઇચ્છતી હોય તેવી મહિલા કામદારોની લેખિત સંમતિ મેળવીને, મહિલાઓ માટે ચોવીસ કલાકનો રોજગાર પણ ઊભો કરવો. વિધેયકની કલમ ૭થી, તે માટેની જોગવાઈ કરેલી છે.ગુજરાત વિધાનસભાનું સત્ર તે સમયે ચાલુ ન હોવાથી, ઉપર્યુક્ત ઉદેશો સિદ્ધ કરવા માટે, કારખાના (ગુજરાત સુધારા) વટહુકમ, ૨૦૨૫ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. વિધેયકથી, સદરહુ વટહુકમના સ્થાને રાજ્ય વિધાનમંડળનો અધિનિયમ મૂકવા ધાર્યું છે તેમ ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે ગૃહમાં જણાવ્યું હતું.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
