<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

ભૂપેન્‍દ્રભાઈ પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્‍સપોને ખુલ્લો મૂકયો

૯ અને ૧૦ સપ્‍ટેમ્‍બર દરમિયાન એક્‍સપોમાં ૧૫૦ જેટલાં સ્‍ટોલ અને અંદાજે ૨૫૦૦ જેટલાં એક્‍ઝિબિટર્સ સહભાગી : આપણે પણ હેલ્‍થ કોન્‍શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્‍વાસ્‍થ્‍ય સુધારવાના કામમાં સહભાગી બનીએઃ ભૂપેન્‍દ્રભાઈ પટેલ

અમદાવાદઃ તા.૯, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્‍સપો-૨૦૨૫ને ખુલ્લો મૂકયો હતો. આ એક્‍સપોમાં ૧૫૦ જેટલાં સ્‍ટોલ અને અંદાજે ૨૫૦૦ જેટલાં એક્‍ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ ૯ અને ૧૦ સપ્‍ટેમ્‍બર એમ બે દિવસ યોજાનારા આ એક્‍સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે.

આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીએ વિવિધ કેટરર્સ સ્‍ટોલ્‍સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્‍યું કે, રાજ્‍ય સરકાર દ્વારા ‘મેદસ્‍વિતા મુક્‍ત ગુજરાત'નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્‍યારે આપણે પણ હેલ્‍થ કોન્‍શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્‍વાસ્‍થ્‍ય સુધારવાના કામમાં સહભાગી બનીએ.

ખાદ્ય, પાકકળા અને પેય ઉદ્યોગોના ૧૫૦થી વધુ સ્‍ટોલ્‍સમાં કેટરર્સના ઉત્‍પાદનોનું ઙ્કદર્શન આ કેટરિંગ એક્‍સ્‍પોની વિશેષતા છે. આ ઉપરાંત, કેટરિંગ એસોસિએશનના સભ્‍યોને નિષ્‍ણાતો દ્વારા માર્ગદર્શન આપવા માટે વર્કશોપ અને સેમિનારોનું આયોજન કરવામાં આવ્‍યું છે. કેટરિંગ એસોસિએશનના સભ્‍યો અને પ્રતિનિધિઓ સાથે જ્ઞાન અને અનુભવના આદાન-પ્રદાન માટેનું એક ઉત્તમ મંચ પૂરું પાડતાં આ એકસ્‍પોમાં ખાદ્ય અને પેય ઉદ્યોગો સાથે સંકળાયેલા દેશભરના અંદાજિત ૫૦૦૦થી વધુ મુલાકાતીઓ પ્રત્‍યક્ષ મુલાકાત લેવાના છે.

આ પ્રસંગે ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશનના પ્રમુખ ભવાનીસિંહ પુરોહિતે જણાવ્‍યું કે, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિથી આ આયોજન તથા તેમાં ભાગ લેનારા સર્વ સભ્‍યોના ઉત્‍સાહમાં અનેકગણો વધારો થયો છે. આ તકે તેમણે મુખ્‍યમંત્રીશ્રીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન અમદાવાદના પ્રમુખ મનોજ પુરોહિત સહિત સમગ્ર રાજ્‍યમાંથી એસોસિએશનના સભ્‍યો આ એક્‍સપોના પ્રારંભ અવસરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:36 PM IST)