<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

અમદાવાદમાં એસીબીનો સપાટો : નિવૃત AMC કર્મચારી, ગોવિંદભાઈ પરમાભાઈ ડાભી રૂ. ૪૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

વિરાટનગરના વેપારી અને રહીશો પાસેથી પ્રોપર્ટી ટેક્ષની આકારણીના નામે ગેરકાયદેસર ઉઘરાણા કરતા હોવાની ફરિયાદ બાદ લાંચનું છટકું ગોઠવાયું

અમદાવાદ: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચ રૂશ્વતને ડામવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત, અમદાવાદમાં વધુ એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર મળેલી ફરિયાદના આધારે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીને રૂ. ૪૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે.
આ કેસની વિગતો એવી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરાટનગર વોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લગતી આકારણીની કામગીરી કરતા કર્મચારીઓ વિરાટનગરના રહેવાસીઓ અને વેપારીઓ પાસેથી જુદા જુદા બહાના હેઠળ ગેરકાયદેસર રીતે રૂ. ૧૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ સુધીની લાંચની માંગણી કરતા હોવાની રજૂઆત એસીબીને મળી હતી.
આ રજૂઆતને આધારે, એસીબીએ એક જાગૃત નાગરિક (ડીકોય)નો સહયોગ લઈને આજ રોજ, ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ, લાંચનું છટકું ગોઠવ્યું હતું. ડીકોય તરીકે કામ કરનાર નાગરિક પાસેથી લાંચ લેવા માટે નિવૃત્ત કર્મચારી ગોવિંદભાઈ પરમાભાઈ ડાભી (રહે. ૨૩-મકાન નં-ડી/૧૦૦૪, આરોહી એલીજીયમ, સાઉથ બોપલ, અમદાવાદ) હાજર રહ્યા હતા.
લાંચના છટકા દરમિયાન, વિરાટનગરની અંબિકાનગર સોસાયટી, મકાન નં. એ/૫૨ ખાતે આરોપી ગોવિંદભાઈએ હેતુલક્ષી વાતચીત કરીને ડીકોય પાસેથી રૂ. ૪૦૦૦ની લાંચની માંગણી કરી અને સ્વીકારી હતી. તે જ સમયે, એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને લાંચની રકમ પણ કબજે કરી હતી.
આ સમગ્ર ઓપરેશનનું સફળ આયોજન એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એન.પટેલ અને તેમની ટીમે કર્યું હતું. આ કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક, એસીબી અમદાવાદ એકમના શ્રી કે.બી. ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

(1:09 PM IST)