News of Sunday, 7th September 2025
અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયીઃ જાનહાની ટળી
ગઇકાલથી સતત વરસી રહેલ વરસાદથી જનજીવન ખોરવાયું

અમદાવાદઃ શહેરમાં ગઇકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદના કારણે સાબરમતી નદી નદી પર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાનું જણાવ્યું છે. આ સિવાય નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સરસ્વતી હોસ્પિટલની નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈટને અડીને બનેલી દિવાલ ધરાશાયી થઇ જતા ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નજીકમાં ઊભેલી ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટના ખાડામાં ખાબકી ગઇ હતી. જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલના અહેવાલ સામે આવ્યા નથી.
અમદાવાદમાં મોડી રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી રાતથી વહેલી સવાર સુધીમાં શહેરમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરના સરખેજ, એસજી હાઇવે, ચાંદખેડા, નરોડા, કોતરપુર, સરદારનગર, મણીનગર અને કાંકરિયા વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે જોધપુર, બોપલ, સેટેલાઈટ, પ્રહલાદનગર, આનંદનગર, વસ્ત્રાપુર, મેમનગર, સાયન્સ સીટી, ઘાટલોડીયા, નારણપુરા, વાસણા પાલડી, રાણીપ, ન્યુ રાણીપ, જગતપુર, એસજી હાઇવે, એસપી રીંગ રોડ, બાકરોલ, વિસલપુર, કાસિન્દ્રા, ભાત, નવાપુરા, સનાથલ, શાંતિપુરા, જમાલપુર, દૂધેશ્વર કાલુપુર અસારવા શાહપુર દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
