તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
ભૂપેન્દ્રભાઇને મુખ્યમંત્રી તરીકે ૧૩ મીએ ૪ વર્ષ પૂરા થાય છેઃ સરકાર-સંગઠન ઉજવણી કરશે
મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની સિધ્ધીઓ પ્રજાજનો સમક્ષ મુકાશે

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવેલ તે પ્રસંગની યાદગાર તસ્વીર.
રાજકોટ, તા., પઃ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કાર્યભાર સંભાળ્યાને અઠવાડીયા પછી ૪ વર્ષ પુરા થાય છે. તે નિમીતે સરકાર અને સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવણીનું આયોજન વિચારાધીન છે. સરકારની સિધ્ધીઓ પ્રજા સમક્ષ મુકવામાં આવશે. તા.૧૩ સપ્ટેમ્બર ર૦ર૧ના રોજ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પાસેથી શાસન સંભાળ્યું હતું. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમદાવાદની શિક્ષણ સમીતીના ચેરમેન તેમજ નગરપાલીકાના પ્રમુખ અને અમદાવાદ શહેરી વિકાસ સતામંડળના ચેરમેન તરીકે રહી ચુકેલા. ર૦૧૭માં ઘાટલોડીયા મત વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. ર૦ર૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તા.૧૩ સપ્ટેમ્બર ર૦ર૧ના રોજ તેમણે પ્રથમ વખત અને ૧૩ ડીસેમ્બર ર૦રરના દિવસે મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધેલા. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બંને વખત શપથ લેવડાવેલા. તેઓ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જાણીતા છે.
વર્તમાન સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત ૮ કેબીનેટ મંત્રીઓ અને ૮ રાજયકક્ષાના મંત્રીઓ છે. મંત્રી મંડળ વિસ્તરણની વાતો લાંબા સમયથી ચર્ચામાં છે. હાલ મુખ્યમંત્રી પોતે ગૃહ, માર્ગ-મકાન, મહેસુલ, માહિતી, શહેરી વિકાસ, ખાણ-ખનિજ વિગેરે વિભાગો સંભાળી રહયા છે.
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇના કાર્યકાળમાં સરકાર દ્વારા પ્રજાલક્ષી અનેક મહત્વની યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ તેમજ મોટા નિર્ણયો કરવામાં આવેલ. રાજકીય રીતે પણ તેમના કાર્યકાળમાં ભાજપને મોટી સફળતા મળી છે. તેમના નેતૃત્વમાં ૨૦૨૨ની ધારાસભાની ચુંટણીમાં ભાજપને વિક્રમસર્જક ૧પ૬ બેઠકો મળી હતી. અન્ય પક્ષના ધારાસભ્યોના રાજીનામા બાદ પેટા ચુંટણીમાં ભાજપની જીતથી હાલ આ આંકડો ૧૬૦ને વળોટી ગયો છે. ધારાસભાની હવે પછીની ચુંટણી ડિસેમ્બર ર૦ર૭ માં આવવાપાત્ર છે. ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ હેઠળ સરકારની સિધ્ધીઓની સંકલીત યાદી તૈયાર થઇ રહી છે. ૪ વર્ષ પુરા થવા નિમિતે તે કાર્યોની પ્રજાને યાદ અપાશે. શાનદાર ઉજવણી માટે આયોજન થઇ રહયું છે. (૪.૧૨)
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
