<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ગુજરાત રાજ્યમાં વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય : આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ : અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી

આઠમી તારીખે વરસાદની તીવ્રતા એકદમ ઘટી જશે : સોમવારે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ તા.૪

ગુજરાતમાં હવે ધીરે ધીરે વરસાદની તીવ્રતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં વરસાદ લાવે તેવી ચાર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેલ માર્ક્ડ લો પ્રેશર નબળું થઈને લો પ્રેશર એરિયા સર્જાયુ છે. આ સાથે દક્ષિણપશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં એક અપર એર સર્ક્યુલેશન છે આ સાથે ગઈકાલનું ટ્રફ હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો ઉપર અપર એર સર્ક્યુલેશન યથાવત છે. આ ઉપરાંત સરેરાશ સમુદ્ર સપાટી પર મોન્સૂન ટ્રફ હવે જેસલમેર, કોટા, નર્મદાપુરમ, સિઓની, દુર્ગ, ઉત્તર છત્તીસગઢ અને નજીકના પૂર્વ મધ્યપ્રદેશ, ચાંદબાલી અને તેથી પૂર્વ દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી સુધી પસાર થઈ રહ્યુ છે.

હવામાન વિભાગના વેધર મેપ પ્રમાણે, આજે ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગીરસોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ સહિત ગાજવીજ અને ભારે વરસાદની આગાહી છે

પાંચમી તારીખને ગુરુવારે વરસાદની તીવ્રતામાં વધારો દેખાઈ રહ્યો છે. નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે ગાજવીજ અને અતિભારે વરસાદની આગાહી છે. યલો એલર્ટની વાત કરીએ તો, ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં યલો એલર્ટ સહિત ગાજવીજ અને ભારે વરસાદની આગાહી છે

છઠ્ઠી તારીખે તો આખા ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તે દિવસે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

સાતમી તારીખે કચ્છનો વારો આવશે તેવું વેધર મેપ પ્રમાણે લાગી રહ્યું છે. રવિવારે કચ્છમાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આઠમી તારીખે વરસાદની તીવ્રતા એકદમ ઘટી જશે તેમ લાગી રહ્યું છે. સોમવારે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

(5:22 PM IST)