તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st August 2025
ધોરણ 10 અને 12ના બોર્ડના પ્રશ્નપત્રમાં થશે ફેરફારઃ 2026થી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્રનું નવું પરિરૂપ લાગુ
આ નવી પદ્ધતિ મુજબ સામાન્ય વિદ્યાર્થીઓ માટે એક અલગ વિકલ્પ (A) અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ વિકલ્પ (B) રહેશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના પ્રશ્નપત્ર અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 2026થી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્રનું નવું પરિરૂપ લાગુ થશે. આ નવી પદ્ધતિ મુજબ સામાન્ય વિદ્યાર્થીઓ માટે એક અલગ વિકલ્પ (A) અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ વિકલ્પ (B) રહેશે.
2025ની પરીક્ષામાં પ્રશ્નોના વિકલ્પોને લઈને વિદ્યાર્થીઓમાં મૂંઝવણ સર્જાઈ હતી. કારણ કે તે વખતે નિયમિત અને દ્રષ્ટિહીન બંને પ્રકારના વિદ્યાર્થીઓને એક જ પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રશ્નપત્રમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને અનુકૂળ એવા સરળ પ્રશ્નોનો પણ સમાવેશ થતો. ઘણા સામાન્ય વિદ્યાર્થીઓએ એ જ સરળ પ્રશ્નોના જવાબ આપી દીધા હતા, જેના કારણે ગેરસમજ ઊભી થઈ હતી.
આ પરિસ્થિતિથી બોર્ડ સતર્ક બન્યો છે. હવે નક્કી કરવામાં આવ્યું છે કે 2026થી સામાન્ય વિદ્યાર્થીઓ માટે ચિત્ર, આલેખ, ગ્રાફ અને નકશા આધારિત પ્રશ્નો આવશે, જ્યારે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે એ પ્રશ્નોના સ્થાને વિકલ્પ રૂપે અલગ પ્રકારના પ્રશ્નો આપવામાં આવશે.
આ બદલાવનો હેતુ એ છે કે બંને પ્રકારના વિદ્યાર્થીઓને તેમના સ્તર અને ક્ષમતાને અનુકૂળ પ્રશ્નો મળે. આમ કરીને ભવિષ્યમાં કોઈ ગેરસમજ કે ગૂંચવણ ઊભી ન થાય. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ નવા પરિરૂપ વિશે પૂરતી જાણકારી વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓને આપવામાં આવશે. જેથી 2026ની પરીક્ષા પહેલાં દરેકને સ્પષ્ટ ખ્યાલ મળી રહે કે કયા પ્રશ્નો કોને આપવા છે અને કયા વિકલ્પ કોના માટે છે. ગુજરાત બોર્ડનો આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે, કારણ કે તે શિક્ષણ પદ્ધતિમાં પારદર્શિતા વધારશે અને પરીક્ષાની પ્રક્રિયામાં સમાનતા જાળવવામાં મદદરૂપ થશે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
