<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

જીએસટીમાં આઈટીસી ૦૪ નહીં ભરનારના રિફંડ અટકાવતા કચવાટ

SGSTના અધિકારીઓની મનમાનીને કારણે ઇન્‍સ્‍પેક્‍ટરરાજનો અનુભવ

અમદાવાદ,તા.૨૯: વેપારીઓ દ્વારા જોબવર્ક માટે મોકલવામાં આવતી ચીજવસ્‍તુઓ માટે આઇટીસી ૦૪નું ફોર્મ ભરવાનું હોય છે. પરંતુ મોટાભાગના વેપારીઓ આઈટીસી ૦૪ ભરતા નહીં હોવાના કારણે હવે સ્‍ટેટ જીએસટીના અધિકારીઓએ રિફંડ અટકાવવાનું શરૂ કર્યું છે. તેના કારણે વેપારીઓમાં કચવાટ પેદા થયો છે, કારણ કે સેન્‍ટ્રલ જીએસટીના અધિકારીઓ આવી કોઈ પણ સમસ્‍યા વિના વેપારીઓને રિફંડ આપી રહ્યા છે, પરંતુ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ રિફંડ આપતા નહીં હોવાના લીધે વેપારીઓને સ્‍ટેટ જીએસટીમાં ઇન્‍સ્‍પેક્‍ટર રાજ ચાલી રહ્યું હોવાનો અનુભવ થઈ રહ્યો છે.

જોબવર્ક માટે કોઈ પણ વસ્‍તુ મોકલવામાં આવે એટલે તેમાં કેવા પ્રકારનું જોબવર્ક કરવામાં આવ્‍યું તે સહિતની જાણકારી આપવામાં આવે તેને આઇટીસી ૦૪નું ફોર્મ કહેવામાં આવે છે. પરંતુ સુરતના કાપડ ઉદ્યોગમાં એક કરતાં વધુ જગ્‍યા પર જોબવર્ક કરાવવામાં આવતું હોવાના કારણે મોટાભાગના વેપારીઓ આઇટીસી ૦૪નું ફોર્મ ભરતા નથી. તેમજ આ રીતની કામગીરી જીએસટી લાગુ કરવામાં આવ્‍યો ત્‍યારથી કરવામાં આવી રહી છે, પરંતુ અચાનક જ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓએ આઈટીસી ૦૪ નહીં ભરનારના રિફંડ અટકાવવાની શરૂઆત કરતા કચવાટ પેદા થયો છે, કારણ કે અત્‍યાર સુધી વેપારીઓને રિફંડ આપવામાં આવતા હતા. જયારે આઈટીસી ૦૪ નહીં ભરવાના કારણે રિફંડ અટકાવી દેતા હોબાળો શરૂ થયો છે. બીજી તરફ સેન્‍ટ્રલ જીએસટીમાં રિફંડ માટેની અરજી કરવામાં આવે ત્‍યારે તાત્‍કાલિક નિયમ પ્રમાણે રિફંડ આપી દેવામાં આવે છે, પરંતુ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ દ્વારા જ વાંધાવચકા કાઢીને વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેના કારણે વેપારીઓમાં જ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓ મનમાની કરી રહ્યા હોવાનો ગણગણાટ શરૂ થયો છે. સાથે સાથે વેટ અને એક્‍સાઈઝ હતી ત્‍યારે જે રીતે વેપારીઓને અધિકારીઓ પરેશાન કરી રહ્યા હતા તેવી જ રીતે પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનું પણ કહેવાય છે, કારણ કે કાયદો એક હોવા છતાં તેના અમલમાં બેવડી નીતિ અપનાવવામાં આવી રહી હોવાના કારણે ઇન્‍સ્‍પેક્‍ટર રાજ આવી ગયું હોવાનું પણ વેપારીઓ કહી રહ્યા છે. જોકે, આવું પહેલી વખત નથી બન્‍યું કારણ કે, અનેક કિસ્‍સાઓમાં જીએસટીના નિયમોનું બે અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારનું અર્થઘટન કરીને વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ સ્‍ટેટ જીએસટીના અધિકારીઓની મનમાનીને લીધે સૌથી વધુ વેપારીઓ હાલાકીનો ભોગ બની રહ્યા છે.(૪૦.૪)

(9:33 AM IST)