<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ગણેશોત્‍સવથી મીઠાઈના બિઝનેસમાં પણ ‘મીઠાશ': મોદક ફેવરિટ

બાપા માટે છપ્‍પન ભોગ અને મોતીચૂરના લાડુની ડિમાન્‍ડ મીઠાઈ વિક્રેતાઓના ધંધામાં ૫૦થી ૬૦ ટકાનો વધારો, એડવાન્‍સમાં ઓર્ડર

સુરત,તા.૨૯: ગણેશોત્‍સવના આરંભ સાથે શહેરભરમાં ભક્‍તિમય માહોલ બન્‍યો છે. મુંબઈ બાદ સુરતમાં ગણેશોત્‍સવની ઉજવણી પાછળ દિલ ખોલીને ખર્ચો કરાતો હોવાથી અહીંના વેપાર-ધંધાને પણ બુસ્‍ટ મળી રહે છે. ત્‍યારે ગણેશોત્‍સવ મીઠાઈના બિઝનેસમાં પણ મીઠાસ રેલાવી જાય છે. ગણેશોત્‍સવની ધૂમધામ વચ્‍ચે સુરત શહેરમાં આ વખતે બાપ્‍પાની પ્રસાદીમાં છપ્‍પન ભોગ અને વિવિધ પ્રકારના મોદકની માંગમાં જબરદસ્‍ત વધારો નોંધાયો છે. પરંપરાગત મોતીચૂરના લાડવા સાથે કાજુ-બદામ, પિસ્‍તા, ચોકલેટ, અનાનસ, કેરી, રોઝ, મલાઈ, ખોપરા, પંજરી, મોતીચૂર, બેસન સહિતના સ્‍પેશિયલ મોદકની પણ ભારે માંગ જોવા મળી રહી છે. ખાસ કરીને ૧૧ અને ૨૧ કિલોના મોતીચૂર લાડુ અને મોદક ગણેશ ભક્‍તોમાં વધુ લોકપ્રિય બન્‍યા છે. આ વર્ષે મીઠાઈના વ્‍યવસાયમાં ૫૦થી ૬૦ ટકાનો વધારો નોંધાયો છે.

ગણેશોત્‍સવ દરમિયાન માત્ર મોદક અને લાડવા જ નહીં પરંતુ છપ્‍પન ભોગમાં આવતી મીઠાઈઓ તથા ડ્રાયફૂટ આધારિત પ્રસાદીને કારણે કરોડો રૂપિયાનો વધારાનો વ્‍યવસાય થશે. બાપ્‍પાની પ્રસાદીમાં ભાવ નહિ, ભક્‍તિ જોવામાં આવે છે. બીજા શબ્‍દોમાં કહીએ તો મોદક અને વિશાળ લાડવા મોંઘા હોવા છતાં ભક્‍તો ઓર્ડર આપવામાં સંકોચતા નથી. ગણેશ ભક્‍તો દ્વારા વિસર્જનના દિવસ સુધીની પ્રસાદીનો એડવાન્‍સ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. જેને લીધે ફક્‍ત મોટા નહીં મીઠાઈના નાના વેપારીઓને પણ સારા એવા ઓર્ડર મળી રહ્યા છે. મીઠાઈના એક વેપારીએ જણાવ્‍યું હતું કે, જે પણ પ્રસાદ હોય તે બાપ્‍પાને અર્પણ કર્યા બાદ પ્રસાદી રૂપે વહેંચવામાં આવે છે. આ કારણે મીઠાઈ ઉદ્યોગમાં સારો વેપાર થઈ રહ્યો છે. વિવિધ પ્રકારના મોદકનો પ્રતિ કિલોએ ૬૪૦થી ૧૪૦૦ રૂપિયાના સુધીનો ભાવ છે. જ્‍યારે છપ્‍પન ભોગની મીઠાઈનો ૯૫૧, ૧૮૫૧ અને ૨૭૫૧ રૂપિયા સુધીનો ભાવ છે. ઘણા મંડળો દ્વારા સમોસા, કચોરી સહિતના નાસ્‍તાનો પણ મોટા પ્રમાણમાં ઓર્ડર અપાઈ રહ્યો છે. (૪૦.૫)

(9:50 AM IST)