<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ટેરિફ ટેરરઃ સુરત ટેક્‍સ્‍ટાઈલ ઉદ્યોગને ૪૦૦૦૦ કરોડનું નુકસાન

વિયેતનામ અને બાંગ્‍લાદેશ કરતાં ભારતનું કાપડ મોંઘું પડતું હોવાના લીધે વેપારને અસર થશે

સુરત,તા.૨૯: યુએસએ દ્વારા ભારત પર ૫૦ ટકા ટેરિફ વસૂલ કરવાનો અમલ કરવામાં આવ્‍યો હોવાના કારણે સુરતના કાપડ ઉદ્યોગને અંદાજિત ૪૦ હજાર કરોડનું નુકસાન થવાની શક્‍યતા રહેલી છે. કારણ કે યુએસએમાંથી કાપડ ઉદ્યોગકારોને જે ઓર્ડર મળ્‍યા હતા તે હાલમાં અટકાવી દેવામાં આવ્‍યા છે. જ્‍યારે કેટલાક ઓર્ડર રદ કરી દેવાનો નિર્ણય કરાયો છે. તેના કારણે છેલ્‍લા ત્રણ વર્ષના આંકડાઓને ધ્‍યાને રાખવામાં આવે તો સુરતના કાપડ ઉદ્યોગકારોને ૪૦ હજાર કરોડનું નુકસાન થવાનું જાણકારો કહી રહ્યા છે. સાથે સાથે દર વર્ષે ભારતમાંથી ૮૬.૫૦ અબજની નિકાસ યુએસએમાં થાય છે. તે આંકડો પણ ઘટીને ૫૦ અબજ પર પહોંચવાની શક્‍યતા રહેલી છે.

અમેરિકામાં ટ્રેમ્‍પની સરકાર બન્‍યા બાદ ટેક્‍સ્‍ટાઇલના નિકાસમાં તબક્કાવાર ઘટાડો થયો હતો. જ્‍યારે ટ્રમ્‍પની સરકાર પહેલા તેમાં વધારો થયો હતો. તે આંકડા પરથી જ સાબિત થાય છે કારણ કે વર્ષ ૨૦૨૧માં ફક્‍ત કાપડની નિકાસ ૨૨૬૫ કરોડ ડોલર હતી. ત્‍યારબાદ વર્ષ ૨૦૨૨માં ૨૪૮૬ કરોડ ડોલર અને વર્ષ ૨૦૨૩માં ૨૩૯૧ કરોડ ડોલર પર કાપડની નિકાસ થઈ ગઈ હતી. જ્‍યારે જાન્‍યુઆરીથી સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ સુધીમાં તે નિકાસ ઘટીને ૧૭૩૦ કરોડ ડોલર પર પહોંચી ગઇ છે. તે માટેનું કારણ એવું પણ છે કે યુએસએ દ્વારા સૌથી વધુ કાપડની ખરીદી બાંગ્‍લાદેશ અને વિયેતનામમાંથી કરવામાં આવી રહી હોવાની સીધી અસર ભારતના નિકાસકારો પર પડવા માંડી છે. બીજી તરફ વિયેતનામ અને બાંગ્‍લાદેશ પર ૨૦ ટકા ટેરિફ લાદવામાં આવ્‍યો છે. જ્‍યારે ભારત પર પહેલા ૨૫ અને હાલમાં ૫૦ ટકા ટેરિફ લાદવામાં આવ્‍યો હોવાના લીધે કાપડ ઉદ્યોગકારોને હાલ તો સૌથી વધુ નુકસાનીનો સામનો કરવો પડવાનો છે. અમેરિકા મોકલવામાં આવતા કાપડના નિકાસના આંકડા પરથી જ ભારતના કાપડ ઉદ્યોગકારોને ૭૨ હજાર કરોડનું જ્‍યારે સુરતના કાપડ ઉદ્યોગકારોને ૪૦ હજાર કરોડનું નુકસાન થવાની શક્‍યતા જાણકારોએ વ્‍યક્‍ત કરી છે. તેમજ કાપડનો મોટાભાગનો વેપાર અને વિયેતનામ અને બાંગ્‍લાદેશ તરફ વળવાની પણ શક્‍યતા નકારી શકાય તેમ નથી.

 આ કારણોને લીધે નુકસાન

કાપડના ઓર્ડર અટકાવી દેવામાં આવ્‍યા ટેરિફ વધવાના કારણે ઓર્ડર રદ કરી દેવામાં આવ્‍યા ? છેલ્‍લા ત્રણ વર્ષમાં કાપડની નિકાસ ૨.૭ ટકાનો ઘટાડો અન્‍ય દેશની તુલનામાં ભારત પર ટેરિફ વધુ હોવાની સીધી અસર

૬ મહિના સુધી આવી સ્‍થિતિ રહેવાની શક્‍યતા

કાપડ ઉદ્યોગ પર લાદવામાં આવેલા ટેરિફને કારણે અમેરિકા જે કાપડ મોકલવામાં આવતું હતું તે ૫૦ ટકા મોઘું થઈ ગયું છે. આ કારણોસર જે પણ ઓર્ડર આપવામાં આવ્‍યા હતા તે હાલમાં રદ કરી દેવામાં આવ્‍યા છે અથવા તો અટકાવી દેવામાં આવ્‍યા છે. તેમજ તેઓ દ્વારા બાંગ્‍લાદેશ અને વિયેતનામથી હાલમાં કાપડ મંગાવી રહ્યા હોવાના કારણે ભારતીય અને ખાસ કરીને સુરતના કાપડ ઉદ્યોગકારોને તેની અસર પડવાની છે. જોકે આ સ્‍થિતિ આગામી ૬ મહિના સુધી રહેવાની શક્‍યતા રહેલી છે.

-(ઇમ્‍પોર્ટ- એક્‍સપોર્ટના તજજ્ઞ)

(9:50 AM IST)