<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

અરવલ્લીમાં બાળક સાથે દંપતીનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

પતિનું મોત, પત્ની અને બાળક સારવાર હેઠળઃમોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ત્રણેયને નદીની બહાર કાઢવામાં આવ્યા

અરવલ્લી, તા.૨૭

અરવલ્લીમાંથી સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. જેમાં દંપતીએ બાળક સાથે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં પતિનું મોત નિપજ્યું છે અને પત્ની તેમજ બાળક હાલ સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, બુધવારે (૨૭ ઓગસ્ટ) વહેલી સવારે અરવલ્લીમાંથી પરિવાર દ્વારા સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી. પતિ-પત્નીએ બાળક સાથે માલુપર પાસેની વાત્રક નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે, સ્થાનિકોને આ વિશે જાણ થતા તુરંત પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ત્રણેયને નદીની બહાર કાઢવામાં આવ્યા. જોકે, આ દરમિયાન પતિનું મોત નિપજ્યુ હતું પરંતુ પત્ની તેમજ બાળકોના શ્વાસ શરૃ હતા. પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા પત્ની અને બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ મામલે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ પત્નીનું નિવેદન અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટ આધારે કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરશે.

(10:40 PM IST)