<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ગરુડેશ્વરના પીછીપુરા ગામથી મહિલા પાસેથી ચાંદીના કડલા લઈ ફરાર થયેલા બે આરોપીઓ ઝડપાયા

દાગીના સાફ કરી ચમકાવવાના બહાને 60 હજારના દાગીના લઈ ફરાર થયેલા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા પીછીપુરા ગામમાં ચાંદીનાં દાગીના ચમકાવી આપવાના બહાને મહિલાને છેતરી દાગીના લઈ ફરાર થયેલા ત્રણ આરોપી પૈકી બિહાર રાજ્યના બે આરોપીઓને પોલીસે ગણતરી કલાકોમાં દાગીના સાથે ઝડપી પાડ્યા હતા.

   પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ ૨૨/૦૮/૨૦૨૫ના રોજ ગરૂડેશ્વરના પીછીપુરા ગામમાં સરોજબેન તડવીના ઘરે ત્રણ અજાણ્યા શખ્સો મોટરસાઈકલ પર આવ્યા હતા. તેમણે પોતાને કંપનીના માણસો તરીકે ઓળખાવી જૂના વાસણો અને દાગીના સાફ કરી આપવાની વાત કરી શરૂઆતમાં તેમણે તાંબાના વાસણો અને ચાંદીની લક્કી ચમકાવીને સરોજબેનનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ, તેમણે સરોજબેનના પગમાં પહેરેલા આશરે રૂ. 60,000 ની કિંમતના 600 ગ્રામના બે ચાંદીના કડલાં સાફ કરી આપવાના બહાને ઉતરાવ્યા હતા. અને કડલાં હાથમાં આવતા જ ત્રણેય શખ્સો મોટરસાઈકલ પર બેસીને ફરાર થઈ ગયા હતા.આ ઘટના બાદ સરોજબેને તાત્કાલિક ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, ગુનાની ગંભીરતા જોતા ગરૂડેશ્વર પોલીસે એલસીબી સાથે મળી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. અને અલગ અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી  હતી.
   આ દરમિયાન પોલીસે ખડગદા ગામ તરફ જતા રસ્તા પર રેલવેના ગરનાળા પાસેથી ગુનામાં સામેલ બે આરોપીઓમાં ગૌરવકુમાર માંડલ,( મૂળ રહે.અજમાબાદ ગામ, પોસ્ટ ભીમદાસ ટોલા, થાના ગોપાલપુર, જી. ભાગલપુર (બિહાર) અને વિધાન પંડિત, મૂળ રહે. કપાસિયા ગામ, થાના રતવારા, જી. મધેપરા ( બિહાર) (બંને હાલ રહે. ગોધરા ખાડી ફળિયા, તા. ગોધરા, જી. પંચમહાલ) ને ચાંદીના કડલાં સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ મૂળ બિહારના છે અને હાલ ગોધરામાં રહેતા હતા. પોલીસે બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ત્રીજા ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(10:23 PM IST)