તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
મોટી દેવરૂપણ ગામ પાસે રેતી ખનનનો ચાલતો વેપલો બંધ : નદી કિનારે ઢગલો વાળેલી રેતી નદીમાં નાંખી માફીયાઓ ફરાર
સુરત તરફથી કોઈ અધિકારીની ગાડી ચેકીંગમાં આવતા નાવડી દ્વારા નદી કિનારે ઢગલો વાળેલી રેતી નદીમાં નાંખી માફીયાઓ નાશી છૂટ્યા

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામ પાસેથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીમાંથી રેતી ખનનનો વેપલો મોટાપાયે ચાલી રહ્યો હતો ખનીજ સંપત્તિના ચોરટાઓ રેતી ખનન કરીને સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યા હતા, છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ચુપકીદી સેવી માત્ર તમાશો જોઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું દરમિયાન સુરત તરફના કોઈ અધિકારીઓની ગાડી અહીંયા આવી પૂછપરછ કરતા રેતી માફીયાઓએ નાવડી મારફતે નદી કિનારે ભેગી કરેલી રેતી ડર ના માર્યા નદીમાં નાંખી પલાયન થઈ ગયા હતા.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામ પાસે થી વહેતી લોકમાતા સૂર્યપુત્રી તાપી નદીના કિનારે નદી માંથી અત્યાધુનિક સાધનો અને મશીનોનો ઉપયોગ કરીને બિન્દાસ્તપણે રાત દિવસ બેરોકટોક આડેધડ રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું, છતાં નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા અહીં ખનન સંપત્તિના ચોરટાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી, ગેર કાયદેસર રેતી ખનન કરતા હોય, નિઝર, કુકરમુંડા તાલુકામાંથી પસાર થતી લોકમાતા તાપી નદીના કિનારે ચાલતી કેટલીક કાયદેસરની લીઝો આવેલી છે ત્યારે ગેરકાયદેસરની લીઝ ચલાવનારા તત્વો તાપી નદીના કિનારે કોઇપણ જાતની સરકારી લિઝની પરવાનગી વગર હવે સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામેથી રેતી ઉલેચી રહ્યા હતા, તે પણ ધોળે દિવસે અને મોડી રાત સુધી આધુનિક મશીનો દ્વારા રેતી ઉલેચી અસંખ્ય ટ્રકો મારફતે ઓવરલોડ ભરીને નર્મદા, ભરૂચ, સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં રાજ્ય બહાર સપ્લાય કરીને સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.
આ ખનનમાં તાલુકા મથકેથી લઈને જિલ્લા સુધીના અધિકારીઓની સંડોવણી હોવાનું ચર્ચામાં હતું. તાલુકામાં ગેરકાયદેસર રીતે લીઝ ચાલતી હોય અને ખાણ ખનીજ વિભાગને તેની જાણ શુદ્ધા ન હોય તે કઈ રીતે માનવામાં આવે. જોકે ચર્ચા મુજબ સુરત તરફ ના અધિકારીઓની ગાડી ત્યાં ચેકીંગમાં આવી અને જગ્યા જોઈ નહીં હોવાથી અન્ય જગ્યા પર પૂછપરછ કરતા મોટી દેવરૂપણ ગામ પાસે તાપી નદીમાંથી રેતી ખનન કરતા માફીયાઓ ને તેની ગંધ આવી જતા ત્યાં નદી કિનારે બે નાવડી દ્વારા લાવી ભેગી કરેલી બધી રેતી નદીના પાણીમાં નાંખી દઈ ત્યાં કામ કરતા કામદારો અને માફીયાઓ ફરાર થઈ ગયા હતા.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
