<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

૭દિ' રાજ્‍યમાં છુટોછવાયો હળવાથી મધ્‍યમ વરસશે

કાલથી ૩૧મી સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ કરતું હવામાન ખાતુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્‍લા કેટલાંક અઠવાડિયાથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. જોકે, હવે હવામાન વિભાગે રાજ્‍યમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે એવી આગાહી કરી છે.  ૨૭ ઓગસ્‍ટથી ૩૧ ઓગસ્‍ટ સુધી ગુજરાતભરમાં હળવાથી મધ્‍યમ વરસાદ વરસશે, પરંતુ ક્‍યાંય પણ ભારેથી અતિભારે વરસાદની શક્‍યતા બહુ ઓછી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૭ દિવસ વરસાદ તો પડશે પરંતુ તે છૂટો-છવાયો અને હળવો રહેશે. તેમ છતાં તકેદારીના ભાગરૂપે માછીમારોને ૨૮ અને ૨૯ ઓગસ્‍ટ સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત  રાજ્‍યમાં આજે વરસાદની તીવ્રતા ઓછી રહેશે. માત્ર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્‍લામાં ભારે વરસાદની શક્‍યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. બાકીના જિલ્‍લાઓમાં માત્ર છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. ૨૮ ઓગસ્‍ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. બાકીના વિસ્‍તારોમાં વરસાદની શક્‍યતા નહીવત્ત છે. ૨૯ ઓગસ્‍ટના રોજ દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં જ ભારે વરસાદની આગાહી છે. બાકીના સમગ્ર ગુજરાતમાં માત્ર છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

 ૩૦ ઓગસ્‍ટે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્‍યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્‍લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્‍લામાં યલો એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૩૧ ઓગસ્‍ટે ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્‍લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. બાકીના જિલ્‍લાઓમાં વરસાદની શક્‍યતા બહુ ઓછી રહેશે. આગામી સાત દિવસ ગુજરાતમાં મેઘરાજા છૂટાછવાયા ઝાપટા વરસાવતા રહેશે, પરંતુ ભારે વરસાદની શક્‍યતા નથી. હવામાન વિભાગે ખેડૂતો અને માછીમારોને તકેદારી રાખવા સૂચના આપી છે

(1:17 PM IST)