<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

પતિની હેવાનિયત : પત્‍નિનું પાંચ વખત ગર્ભપાત કરાવ્‍યું : છઠ્ઠીવાર પ્રેગનન્‍ટ હોવા છતાં પેટ પર લાતો મારી, જાનથી મારવાની ધમકી આપી

અમદાવાદમાં એક પરિણીતા સાથે સાસરિયાઓએ હેવાનીયતની હદ વટાવીને ત્રાસ આપ્‍યા હાવાનો ગંભીર કિસ્‍સો સામે આવ્‍યો

અમદાવાદ, તા.૨૬:  શહેરના નારોલ વિસ્‍તારમાં પતિએ હેવાનિયતની હદ વટાવી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. જેમાં પત્‍નીની મરજી વિરુદ્ધ પતિએ પાંચ વખત ગર્ભપાત કરાવ્‍યો છે. આ ઘટના ગઈકાલે પ્રકાશમાં આવી છે, જ્‍યાં આ નમાલો પતિ, પત્‍નીને ત્રણ મહિનાનો ગર્ભ હોવા છતાંય એકાએક ઘરમાંથી નીકળી જવાનું કહીને પેટમાં લાતો મારી હતી. આટલું જ નહીં આ હેવાન પતિએ તેના પર કેરોસીન છાંટીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉપરાંત સાસરિયાના તમામ સભ્‍યોએ પણ તેની સાથે મારઝૂડ કરી હતી ઘરમાંથી નીકળી જવા માટે મજબૂર કરી હતી. જે મામલે પોલીસ સ્‍ટેશનમાં નોંધાતા આખો મામલો પ્રકાશમાં આવ્‍યો છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના નારોલ વિસ્‍તારમાં સંયુક્‍ત કુટુંબમાં રહેતી એક પરિણીતા મહિલાએ નારોલ પોલીસ સ્‍ટેશનમાં તેના પતિ ગોપાલ, સસરા ભવાન, જેઠ મેહુલ, જેઠાણી દિવ્‍યા અને નણંદ નિકીતા વિરુદ્ધ દહેજ, હુમલો તેમજ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ અનુસાર વર્ષ ૨૦૧૫માં સમાજના રીતરિવાજ મુજબ તેના લગ્ન ગોપાલ સાથે થયા હતા. જ્‍યાં લગ્નજીવનના શરૂઆતમાં બે વર્ષ સુધી બધું બરોબર ચાલ્‍યું, જે દરમિયાન તેને સંતાનમાં એક દીકરો પણ પ્રાપ્ત થયો (જે હાલ નવ વર્ષનો છે) પરંતુ પછી આવ્‍યો કાળમુખો સમય.

ફરિયાદ મુજબ, લગ્નના બે વર્ષ બાદ ફરિયાદીને સાસરિયાઓએ નાની-નાની બાબતે હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. સાસરિયા ફરિયાદીને ઠપકો આપતા હતા કે, ‘તું કોઈ કામ કરતી નથી અને આખો દિવસ સૂઈ રહે છે.' પતિ પણ તેની સાથે બબાલ કરીને કહેતો હતો કે, તું કયાંથી આવી છે. નણંદ નિકીતા પણ અવારનવાર આવીને ઘરકામના મામલે ફરિયાદીને મેણાટોણા મારતી હતી અને ગોપાલને ચઢામણી કરતી હતી. બહેનની વાત સાંભળીને પતિ ગોપાલ મારઝૂડ કરતો હતો. આ સિવાય જેઠ મેહુલ અને જેઠાણી દિવ્‍યા તેને ધમકાવીને કહેતા હતા કે, તને આ ઘરમાં રાખવાની નથી અને પિયરમાં મોકલી દેવાની છે. સાસુ-સસરા પણ દહેજ મામલે ફરિયાદીને મેણાટોણા મારીને કહેતા હતા કે, બધા પોતાના પિયરમાંથી કેટલું બધું લઈને આવે છે, તું તારા પિયરમાંથી કશું લાવી નથી.

આવી રીતે સાસરિયાનો ત્રાસ દિવસને દિવસે વધવા લાગ્‍યો હતો, જ્‍યારે પતિ ગોપાલે તેને ઘરમાંથી કાઢી મૂકવા માટે અનેક ખેલ કર્યા હતા. એક બાજુમાં સાસુપ્રસસરા, જેઠ-જેઠાણી તેમજ નણંદ દહેજ તેમજ ઘરકામના મામલે ત્રાસ આપી રહ્યા હતા, તો બીજી તરફ પતિ ઘરના સભ્‍યોની હાજરીમાં કેરોસીન છાંટીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ સિવાય તેના પતિ ગોપાલે ચાર વખત ઈસનપુરની ક્રિષ્‍ણા હોસ્‍પિટલ તેમજ એક વખત શ્રીનાથ હોસ્‍પિટલમાં એમ કુલ પાંચ વખત પત્‍નીની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્‍યો હતો.આવી રીતે છેલ્લા આઠેક વર્ષથી પરિણીતા સાસરિયાઓનો ત્રાસ સહન કરતી રહી. પરંતુ ગઈકાલે સવારે સાત વાગ્‍યાની આસપાસ ગોપાલને અચાનક સુરાતન ચઢયું અને પત્‍નીને કહેવા લાગ્‍યો હતો કે, તું મારા ઘરેથી જતી રહે. ગોપાલની વાત સાંભળીને પત્‍નીએ જવાબ આપ્‍યો કે, હું કયાંય જવાની નથી. જે સાંભળીને ગોપાલ ગુસ્‍સે થયો અને બીભત્‍સ ગાળો બોલીને લોખંડની પાઈપ તેના માથામાં મારી દીધી હતી. તો બીજી તરફ સાસરિયાના તમામ સભ્‍યો પણ તેની પર તૂટી પડ્‍યા હતા અને મારઝૂડ કરીને તેને લોહીલુહાણ કરી દીધી હતી.

આ મારામારી દરમિયાન છઠ્ઠી વાર પત્‍નીને ત્રણ માસનો ગર્ભ હોવાની જાણ હોવા તેમ છતાં પતિ ગોપાલે તેના પેટમાં લાતો મારી હતી. ઉપરાંત ગોપાલે ફરી એકવાર ધમકી આપી હતી કે, જો તું અત્‍યારે મારા ઘરેથી નહીં જાય, તો કેરોસીન છાંટીને તેને મારી નાખીશ. જેથી ફરિયાદી ગભરાઈ ગઈ હતી અને તરત જ ઘરની બહાર નીકળીને તેના ભાઈને ફોન કરીને સમગ્ર હકીકતની જાણ કરી હતી. જે બાદ તેનો ભાઈ ત્‍યાં આવી ગયો હતો અને ત્‍યાંથી સીધો પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો. જ્‍યાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર હકીકત જાણીને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

(3:44 PM IST)