તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
સાગબારામાં આદિવાસી સમાજમાં ચાલી આવતી અનોખી પરંપરા: ચૌરી અમાસના દિવસે અન્નદાતાઓના શ્રમદાતા ગણતાં બળદોનું પૂજન કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે ચૌરી અમાસનો દિવસ ખેડૂતો માટે વર્ષનો સૌથી મહત્વનો દિવસ છે. આજના દિવસે ખેડૂતો પોતાના બળદોને ખેતીકામ થી દુર રાખી બળદોની પૂજા કરે છે. સાગબારા તાલુકામાં ચૌરી અમાસની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
સાગબારા તાલુકામાં ખેડૂતો વર્ષમાં એક વાર આવતા આ ચૌરી અમાસના દિવસને ભારે ધામધૂમથી ઉજવે છે. આજના દિવસે ખેડૂતો પોતાના બળદોનું વરરાજાની જેમ સ્વાગતા કરે છે. ખેડૂતો આજના દિવસે પોતાના બળદોને સ્નાન કરાવીને તેને રંગબેરંગી કલર કરી શણગાર કરે છે. અને મંદિરે પૂજા કરવા લઈ જાય છે. મંદિરે પાંચ ફેરા ફેરવી તેને સમગ્ર ગામમાં દોડાવવામાં આવે છે. અને દિવસ આથમતા પોતાના ઘરે જઈ તેની આરતી ઉતારવામાં આવે છે, બાદમાં તેને મીઠા રોટલા ખવડાવવામાં આવે છે.
આ પ્રકારનો રીવાજ વર્ષોથી ચાલે છે અને તાલુકાના લોકોએ તેને જાળવી પણ રાખ્યો છે. ભલે હવે જમાનો આધુનિક બન્યો હોઈ છતાં આજે પણ કેટલાય ખેડૂતો પોતાની ખેતી બળદોને સહારે જ કરે છે. આદિવાસી સમાજ પ્રકૃતિ પ્રેમી છે ત્યારે પોતાના પૂર્વજોની પરંપરાને આજે પણ ટકાવી રાખી છે
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
