News of Friday, 22nd August 2025
યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈને શ્રદ્ધાળુઓ માટે આ વર્ષે 10 કરોડનું વીમા કવચ લેવાયું
20 કિલોમીટરના અંતરમાં 21 દિવસ સુધી મળી શકશે લાભ :કોઈ પણ માઇ ભક્તનું કોઈ પણ પ્રકારના અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને આ વીમા કવચનો લાભ મળી શકે

અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈને આ વર્ષે 10 કરોડનું વીમા કવચ શ્રદ્ધાળુઓ માટે લેવામાં આવ્યું છે. જેનો લાભ 20 કિલોમીટરના અંતરમાં 21 દિવસ સુધી મળી શકશે. કોઈ પણ માઇ ભક્તનું કોઈ પણ પ્રકારના અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેને આ વીમા કવચનો લાભ મળી શકે છે.
શક્તિપીઠ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓ માટેની ચિંતા સતત અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ કરતું રહ્યું છે તેવામાં અંબાજી આવતા યાત્રિકોને મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે આમ તો ધર્મ સ્થાનોની આર્થિક સદ્ધરતા તેમજ પ્રવર્તમાન પરિસ્થિતિમાં આંતકવાદી કે ભાંગ ફોડીયા પ્રવૃત્તિ અને માનવ સર્જિત તેમજ કુદરતી હોનારતો અને અકસ્માતો સામે યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરી દેવાયા છે.
જોકે અગાઉના વર્ષમાં આ વીમા કવચ અંબાજીની પેરી ફેરીના 20 કિલોમીટર અંદરના વિસ્તારમાં બનતી ઘટનાનો લાભ મળતો હતો તેની જગ્યાએ આ વખતે જે શ્રદ્ધાળુઓ રાજ્યભરમાંથી અંબાજી પગપાળા આવતા હોય છે ત્યારે 20 કિલોમીટરની પેરીફેરી વિસ્તાર વધારીને મહત્વના 07 જિલ્લા ઉપરાંત રાજસ્થાનમાંથી પણ શ્રદ્ધાળુઓ આવતા હોવાથી અંબાજીથી 50 કિલોમીટર રાજસ્થાનની હદ સુધી આ વીમા કવચનો લાભ શ્રદ્ધાળુઓને મળી રહેશે. ગત વર્ષે વિસ્તાર ઓછો હોવાથી રૂપિયા 3 કરોડનું વીમા રિસ્ક લેવામાં આવ્યું હતું ત્યારે આ વખતે હદ મર્યાદા વધારતા પબ્લિક લાયબિટી વીમાની રકમ 10 કરોડની કરી દેવામાં આવી છે.
આ વીમાનું તમામ પ્રીમિયમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યું છે જોકે આવી કોઈ પણ ઘટનામાં ભોગ બનનાર ઈસમના પરિજનો દ્વારા વીમા માટે નામદાર કોર્ટ મારફતે વીમાના લાભની માંગ કરી શકશે અને નામદાર કોર્ટ જે રકમ નક્કી કરશે તે લાભાર્થીને મળી શકશે. જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વિવિધ સંસ્થાઓમાં પણ જો કોઈ મોટી ઘટના બને તો તેના માટે મંદિર ટ્રસ્ટે 283 કરોડનો વીમો ઉતરાવ્યો છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
