<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

અત્યારસુધીમાં ગુજરાત રાજ્યમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૮ ટકા વરસાદ વરસ્યો

રાજ્યના ૭૦ ડેમ હાઈએલર્ટ, ૩૫ ડેમ એલર્ટ અને ૧૬ ડેમ વોર્નિંગ એલર્ટ પર :રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૫ ટકાથી વધુ જળસંગ્રહ

અમદાવાદ તા.૨૧ ; રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. 

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૩૭ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૬૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૩૬ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૩૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૯ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૭૦ ડેમ હાઈ એલર્ટ, ૩૫ ડેમ એલર્ટ તથા ૧૬ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકાઓમાં ૧૩ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૩ ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં ૧૧ ઇંચથી વધુ, વંથલી તાલુકામાં ૧૦ ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૦ ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.       

ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. 

(1:00 PM IST)