<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી પહેલા ભાજપનું મનોમંથન : ઋષિકેશભાઇ પટેલની ચેમ્‍બરમાં પ્રધાનોની બેઠક મળી

વિસાવદરની પેટા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ આગામી ચૂંટણીમાં વિસાવદર વાળી ન થાય એ માટે રાજકીય સમીક્ષાઃ સંગઠનને સાથે રાખી પ્રજા વચ્‍ચે જઈ સરકારની ભૂલો શોધી આગામી દિવસોમાં શુ કરવુ તેની ચર્ચા

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૧ આગામી દિવસોમાં આવી રહેલ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી પહેલા વિસાવદર વાળી ન થાય તે માટે ભાજપે મનોમંથન શરૂ કરી દીધું છે જેના ભાગરૂપે બે દિવસ પહેલા આરોગ્‍ય મંત્રીની ચેમ્‍બરમાં ૭ થી ૮ પ્રધાનોની ખાનગી બેઠક મળી હતી જેમાં રાજકીય સમીક્ષાઓ, સંગઠનની નારાજગી,સરકારની ભૂલો વિશે મનોમંથન થયું હતું અને આ અંગે શું શું પગલાં લેવા તેની પણ ચર્ચા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્‍યું છે.

રાજ્‍યમાં આગામી દિવસોમાં  તાલુકા-જિલ્લા પંચાયત, કોર્પોરેશન નગર પાલિકાઓ અને મહાનગરપાલિકાઓની  ચૂંટણીઓ આવી રહી છે ત્‍યારે વિસાવદરમાં મળેલ હાર બાદ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં પણ આવું ન થાય એ માટે બે દિવસ પહેલા આરોગ્‍ય મંત્રી ઋષિકેશભાઇ પટેલની ચેમ્‍બરમાં પ્રધાનોની ખાનગી બેઠક મળી હતી આ બેઠકમાં ઋષિકેશભાઈ પટેલ,કનુભાઈ દેસાઈ,હર્ષભાઈ સંઘવી, કુંવરજીભાઈ બાવળીયા, રાઘવજીભાઈ પટેલ,મુળુભાઇ બેરા, બળવંતસિંહ રાજપુત સહિત મંત્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ખુલીને ચર્ચાઓ થઈ હતી ખાસ કરીને વિસાવદરના પરિણામો ભાજપની વિરુદ્ધમાં આવ્‍યા હતા તેના કારણોની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં રાજ્‍ય સરકારની કયા કયાં ભૂલો છે તે સંગઠનને સાથે રાખી શોધવા અને એ ભૂલો સુધારવા માટે આગામી દિવસોમાં શુ શુ પગલાં ભરવા એની ચર્ચા થઈ હતી.

અમુક વિસ્‍તારમાં સંગઠનની પણ નારાજગી છે તે વિસ્‍તારમાં સંગઠનના હોદેદારોને ધારાસભ્‍ય અને તે વિસ્‍તારના સાંસદોને સાથે રાખી જો ધારાસભ્‍યો અને સાંસદ સાથે સંગઠનને બનતું ન હોય તેવા વિસ્‍તારોમાં સંગઠન અને ધારાસભ્‍યો સાંસદો વચ્‍ચે મનમેળ કરાવી કામે લાગી જવા કાર્યવાહી કરવાનું પણ નક્કી થયું છે.

રાજ્‍ય સરકાર દ્વારા અનાયાસે કયાંક ભૂલ થઈ હોય તેના માટે ખાનગીમાં પ્રજાના અભિપ્રાયો લઈ આગામી દિવસોમાં શું કરવું જોઈએ તે બાબતે પણ મનોમંથન થયું હતું પ્રજાની સળગતી સમસ્‍યાઓનું ત્‍વરિત નિરાકરણ કેમ લાવવું,રાજ્‍યમાં કયા વિભાગની અને કયા મુદ્દે પ્રજાની નારાજગી પ્રવળતિ રહી છે તેની માહિતી મેળવી રાજ્‍ય સરકારને તાત્‍કાલિક રિપોર્ટ આપવાનું પણ બેઠકમાં નક્કી થયું હોવાનું જાણવા મળ્‍યું છે.

સુત્રો દ્વારા જાણવા મળ્‍યું છે કે વિસાવદરની ચૂંટણી માં મળેલ હાર બાદ ભાજપનું મોવડી મંડળે આગામી દિવસોમાં આવી રહેલ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં આપ પાર્ટી પગ પેસારો ન કરી જાય એ માટે અત્‍યારથી જ કામે લાગી જવા સુચનાઓ આપવામાં આવી છે જેના ભાગરૂપે આ બેઠક મળી હતી.

આ બેઠકમાં શુ શુ ચર્ચા થઇ એ બાબતે અમુક મંત્રીને પુછતા તેમણે રૂટીન બેઠક હોવાનુ કહી વધુ વિગતો આપી નહોતી

(3:47 PM IST)