<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

રાજ્યમાં અત્યાર સુધીમાં 104 તાલુકામાં મેઘરાજાએ ધમરોળ્યું

ભારે વરસાદને પગલે અનેક જળાશયો છલકાયા : ખેતીના પાકને નવ જીવન મળતા ખેડૂતો ખુશખૂશાલ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં 104 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.  જૂનાગઢના  માળિયા હાટીનામાં 1.97 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગના સુબીરમાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના તાલાલામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માંગરોળમાં 01.06 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના અન્ય તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કરતા અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.   ભારે વરસાદને પગલે અનેક જળાશયો છલકાયા છે. ખેતીના પાકને નવ જીવન મળતા ખેડૂતો ખુશખૂશાલ જોવા મળી રહ્યા છે. 

 હવામાન વિભાગ અનુસાર, 17 ઓગસ્ટ 2025ના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લા સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

 

હવામાન નિષ્ણાતે કહ્યું કે, આજે કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 19-20 ઓગસ્ટ વરસાદનું જોર વધશે. સૂર્ય કર્ક રાશિમાં આવતા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 20-21 અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલમાં ભારે વરસાદ રહી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહી શકે છે. 23-25 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે છે. 

. હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડેલ્સના આધારે, બંગાળની ખાડીમાં આગામી 15 દિવસમાં ચાર લો-પ્રેશર સિસ્ટમ્સ સર્જાવાની શક્યતા છે, જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરશે. હવામાન વિભાગ દ્વારા આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 104 તાલુકામાં મેઘરાજાએ ધમરોળ્યું છે.

 

 

 

(4:59 PM IST)