તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
સુરતના મગદલ્લામાં ટેમ્પોમાં મજૂર બનીને પહોંચી પોલીસ : જુગારધામ પર દરોડો પાડ્યો: સાત જુગારીઓને ઝડપી લીધા
પોલીસે પોતાની યુક્તિ બદલી. પીસીઆર વાનમાં જવાને બદલે, પોલીસની ટીમ એક ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરીને ઘટનાસ્થળે પહોંચી હતી .

સુરતમાં ગુનાખોરીને અંકુશમાં રાખવા માટે પોલીસ સતત કાર્યરત છે. આ ક્રમમાં ઉમરા પોલીસની એક અનોખી કામગીરી સામે આવી છે. મગદલ્લા ગામના ઓવાત વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં દરોડો પાડીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે.
ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે મગદલ્લા ગામ, ઓવારા પાસે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. સામાન્ય રીતે આવા દરોડા માટે પોલીસ વાહનનો ઉપયોગ થાય છે, જેનાથી આરોપીઓને એલર્ટ થવાનો મોકો મળી શકે છે. પરંતુ, આ વખતે પોલીસે પોતાની યુક્તિ બદલી. પીસીઆર વાનમાં જવાને બદલે, પોલીસની ટીમ એક ટેમ્પોમાં મજૂરોનો વેશ ધારણ કરીને ઘટનાસ્થળે પહોંચી.
પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી, ત્યારે પણ જુગારીઓ બેધડક જુગાર રમી રહ્યા હતા. આ તકનો લાભ લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સ્થળ પરથી 7 જુગારીઓને ઝડપી લીધા. ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દામાલ પોલીસ દ્વારા પકડાયેલા જુગારીઓમાં જયંતિ રાઠોડ, સંકેત કુમાર પટેલ, શાશ્વત પટેલ, ખેમિલ પટેલ, સુધીર પટેલ, નીરવ પટેલ અને વિશાલ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ પાસેથી કુલ 52,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં આરોપીઓની અંગજડતીમાંથી મળેલા 40,600 અને જુગારના દાવમાંથી મળેલા 12,000નો સમાવેશ થાય છે. પોલીસની આ અનોખી અને સફળ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટના દર્શાવે છે કે સુરત પોલીસ ગુનાખોરીને નાથવા માટે નવા અને અસરકારક રસ્તાઓ અપનાવી રહી છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
