તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની લોક સાહિત્યકાર સાંઇરામ દવેની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના સીએમડી મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન : સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ ૨ કરોડ ૪૪ લાખનો ફુટફોલ નોંધાયો: વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ભારત દેશના ૭૯મા સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે એકતાનગર ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના સીએમડી મુકેશ પુરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ ખાસ અવસરે લોક સાહિત્યકાર સાંઇરામ દવે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખાસ દેશ-વિદેશથી પધારેલા પ્રવાસીઓ, આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પુરીએ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
પુરીએ પરેડનું નિરિક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણ પત્ર આપી સન્માન કર્યુ હતુ.
પોતાના ઉદબોધનમાં મુકેશ પુરીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા દેશ માટે વિશિષ્ટ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આજના આ પાવન દિવસે રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે જે આપણા સૌને ગર્વિત અને ઉત્સાહિત કરે છે. વિતેલા વર્ષમાં આપણે અનેકવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, ટીમવર્કની જ આ ફળશ્રુતી છે જેની સકારાત્મક નોંધ લેવામાં આવી રહી છે. 1947માં આજના દિવસે ભારતને વિદેશી શાસનમાંથી મુક્તિ મળી હતી. આજનો દિવસ છે આપણા સમૂહિક બલિદાન અને નિર્માણશીલતાની લાગણીને ઉજવવાનો, આ અવસરે, આપણે સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીએ છીએ, જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલ, જેમને 'લોખંડી પુરુષ' તરીકે ઓળખવામાં આવે છે, તેમની દૃઢ ઇચ્છાશક્તિ અને નેતૃત્વ ભારતને એક નવી દિશા આપી. તેમણે ખેડા સત્યાગ્રહ (1918)માં ખેડૂતોના અધિકારો માટે બ્રિટિશ સરકાર સામે લડત આપી.1928ના બારડોલી સત્યાગ્રહમાં તેમના નેતૃત્વમાં ખેડૂતોને ન્યાય અપાવ્યો, જેના કારણે તેમને 'સરદાર'ની ઉપાધિ મળી.ગાંધીજીના માર્ગદર્શન હેઠળ, સરદાર પટેલે અસહકાર આંદોલન અને ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો.આઝાદી પછી, ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે, તેમણે 562 રજવાડાઓનું એકીકરણ કર્યું. આ ઐતિહાસિક કાર્યથી ભારત એક મજબુત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું.
મુકેશ પુરીએ જણાવ્યુ હતુ કે,સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ એકતા નગરની આજદિન સુધી કુલ ૨ કરોડ ૪૪ લાખનો ફુટફોલ નોંધાયો છે જે આપણા માટે ગર્વની વાત છે. વર્ષ ૨૦૨૪માં તમામ પ્રવાસીય પ્રકલ્પો પર થઇને લગભગ ૪૮ લાખ ફુટફોલ નોંધાયો છે જે નોંધપાત્ર છે.
આ વર્ષ આપણા સૌ માટે સવિશેષ છે, આપણે ભારતવાસી આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહયાં છે, આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મોટે પાયે ઉજવણી કરવાનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યુ છે.
આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેકટર નારાયણ માધુ,ગોપાલ બામણીયા, એસઆરપીએફ ના સેનાપતી એન્ડ્રુઝ મેકવાન અને નર્મદા નિગમના ચીફ એન્જીનીયર શુભમ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
